Banaskantha News: બનાસકાંઠાના ઉણ ગામે દીકરીના પ્રેમલગ્ન બાદ સર્જાયેલા સામાજિક ઘર્ષણને રોકવા માટે ચૌધરી સમાજના આગેવાનો આગળ આવ્યા છે. સમાજના અગ્રણી અણદાભાઈ ચૌધરીએ ઉણ ખાતે મળેલી બેઠક બાદ સમાજના યુવાનોને શાંતિ જાળવવા અને સામાજિક સંગઠનની મર્યાદા જાળવવા અપીલ કરી છે.
બેઠકમાં લેવાયેલો મહત્વનો નિર્ણય
આ પણ વાંચો
ગઈકાલે ઉણ ખાતે ચૌધરી સમાજના આગેવાનોની એક મોટી બેઠક મળી હતી. આ બેઠકમાં દીકરીને ભગાડી જવાના પ્રશ્ને ગંભીર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. અણદા ચૌધરીએ જણાવ્યું કે, "તમામ આગેવાનોની હાજરીમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે દેસાઈ (રબારી) સમાજને આ દીકરી પરત સોંપવા માટે 11 દિવસનો સમય આપવામાં આવે."
આ 11 દિવસ દરમિયાન રબારી સમાજના આગેવાનો અને પરિવાર દીકરીને પરત લાવવા માટેના પૂરતા પ્રયત્નો કરશે. જો 11 દિવસમાં આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે, તો ફરીથી ચૌધરી અને દેસાઈ સમાજના આગેવાનો સાથે મળીને આગળની રણનીતિ નક્કી કરશે અને જરૂર પડશે તો ફરીથી સમાજની મોટી મીટિંગ બોલાવવામાં આવશે.
યુવાનોને શાંતિ અને સંયમ રાખવા અપીલ
ઉણ ગામે યુવાનો એકઠા થયા હોવાની જાણ થતા અણદા ચૌધરી પોતે પણ ત્યાં પહોંચ્યા હતા અને ઉશ્કેરાયેલા યુવાનોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે યુવાનોને સંબોધતા કહ્યું કે, "જ્યારે સામાજિક આગેવાનોએ 11 દિવસનો સમય આપ્યો હોય, ત્યારે તેના પહેલા કોઈ પણ ઉતાવળિયું પગલું ભરવું યોગ્ય નથી. દેસાઈ સમાજ પણ આટલા ટૂંકા ગાળામાં તાત્કાલિક નિર્ણય ન લઈ શકે, માટે તેમને સમય આપવો જરૂરી છે."
વધુમાં તેમણે ઉમેર્યું કે, જ્યારે પણ સમાજને જરૂર પડે ત્યારે યુવાનો સંગઠિત થઈને આવતા હોય છે તે સારી બાબત છે, પરંતુ જ્યારે સામાજિક આગેવાનો કોઈ અપીલ કરે કે વાતને પડતી મૂકવાની સૂચના આપે, ત્યારે યુવાનોએ તે વાત માનવી જોઈએ. જો યુવાનો આગેવાનોની વાત માને તો જ સંગઠન અને સમાજને નુકસાન થતું અટકે અને પ્રશ્નોનો યોગ્ય ઉકેલ લાવી શકાય.
વર્તમાન સ્થિતિ અને પોલીસ બંદોબસ્ત
ઉણ ગામમાં અત્યારે પરિસ્થિતિ કાબૂ હેઠળ છે. ગઈકાલે થયેલા પથ્થરમારા બાદ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે અને શાંતિ સમિતિની બેઠક પણ યોજી છે. બીજી તરફ, કંકુ ચૌધરીએ વીડિયો વાયરલ કરીને પોતે રાજીખુશીથી લગ્ન કર્યા હોવાનું અને પોતાનો માળો ન વિખેરવા વિનંતી કરી હોવાથી મામલો વધુ સંવેદનશીલ બન્યો છે. હવે તમામની નજર 11 દિવસની મહેતલ પર છે કે રબારી સમાજના આગેવાનો આ મામલે કેવું નિરાકરણ લાવે છે
