ચૌધરી અને રબારી સમાજની બબાલ વચ્ચે બનાસકાંઠા પોલીસની આગેવાનો સાથે બેઠક યોજાઇ, જાણો શું થઇ ચર્ચા

DySPના જણાવ્યા મુજબ ગામમાં હાલ સંપૂર્ણ શાંતિ છે અને પરિસ્થિતિ પોલીસના અંકુશ હેઠળ છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 20 Mar 2026 04:23 PM (IST)Updated: Fri, 20 Mar 2026 04:23 PM (IST)
banaskantha-police-meet-community-leaders-amid-chaudhary-rabari-clash-key-decisions-taken

Chaudhary-Rabari Clash in Banaskantha: ઉણ ગામમાં સર્જાયેલા તણાવ બાદ બનાસકાંઠા જિલ્લા પોલીસ અને ગામના તમામ જ્ઞાતિના આગેવાનો વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ડીવાયએસપી (DySP) સહિતના ઉચ્ચ અધિકારીઓએ ગ્રામજનોને સુરક્ષાની ખાતરી આપી હતી અને શાંતિ જાળવી રાખવા અપીલ કરી હતી.

પોલીસની તટસ્થ અને સાયન્ટિફિક તપાસની ખાતરી

બેઠક દરમિયાન પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, બનેલી ઘટનાના પ્રત્યાઘાત રૂપે કોઈ મોટી અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ સતર્ક છે. તપાસ અંગે માહિતી આપતા અધિકારીએ કહ્યું કે, ગુનાની તપાસમાં કોઈ કચાસ ન રહે તે માટે સાયન્ટિફિક પુરાવા એકત્ર કરવા FSLની મદદ લેવામાં આવી રહી છે. તેમજ ઘટનાસ્થળનું પંચનામું, વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવામાં આવી છે. અને કાયદાની જોગવાઈ મુજબ કોઈપણ પક્ષપાત વગર દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગ્રામજનોએ પોલીસની કામગીરીને બિરદાવી

ગામના આગેવાન દેસાઈ વાલાભાઈ પાંચાભાઈએ જણાવ્યું હતું કે, "તારીખ 18 ના જ્યારે ટોળાએ આખા ગામ પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે પોલીસ પ્રશાસને જે રીતે કામગીરી કરી તે ખૂબ જ પ્રશંસનીય છે. પોલીસે અમને પૂરતું રક્ષણ આપ્યું છે." ગ્રામજનોએ માંગ કરી હતી કે ગામમાં તોડફોડ કરનારા લુખ્ખા તત્વોને કાયદાનું ભાન કરાવવામાં આવે અને ગ્રામજનોને ન્યાય મળે.

અફવાઓથી દૂર રહેવા અપીલ

પોલીસ અને સ્થાનિક આગેવાનોએ સંયુક્ત રીતે સોશિયલ મીડિયા પર વહેતી થતી અફવાઓથી દૂર રહેવા લોકોને અનુરોધ કર્યો છે. કોઈ ખોટો મેસેજ કે વીડિયો વાયરલ ન થાય અને તેના કારણે વાતાવરણ ન ડહોળાય તે માટે તકેદારી રાખવા જણાવાયું છે. અત્યારે ગામમાં દરેક કોમના પ્રતિનિધિઓ હાજર રહીને શાંતિ જાળવવામાં સહકાર આપી રહ્યા છે.

વર્તમાન સ્થિતિ

DySPના જણાવ્યા મુજબ ગામમાં હાલ સંપૂર્ણ શાંતિ છે અને પરિસ્થિતિ પોલીસના અંકુશ હેઠળ છે. ગામમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હજુ પણ પોલીસનો કાફલો તૈનાત રાખવામાં આવ્યો છે. તેમજ ગ્રામજનોએ ખાતરી આપી છે કે તેઓ સુરક્ષિત છે અને બહારથી કોઈને અહીં આવવાની જરૂર નથી. આમ, પોલીસની સમયસૂચકતા અને ગ્રામજનોના સહકારને કારણે ઉણ ગામમાં મોટી દુર્ઘટના ટળી છે અને હવે કાયદાકીય પ્રક્રિયા તેજ બનાવવામાં આવી છે.