Navratri 2026: સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ઋતુ પ્રમાણે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થવાથી દર્શનાર્થે પધારતા માઇભક્તો તથા યાત્રાળુઓની સગવડતા ખાતર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ દરમિયાન માતાજીની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આસો સુદ એકમ રવિવારથી તારીખ 11 ઓક્ટોબર 2026થી આસોસુદ આઠમ સોમવાર 19 ઓક્ટોબર 2026 સુધી અમલમાં રહેવાનો છે. નવરાત્રિનો તહેવાર આજથી શરુ થઈ ગયો છે. ત્યારે ભક્તોનું ઘોડાપૂર માતાના દર્શન કરવા માટે ઉમટવાનું છે. લાખોની સંખ્યામાં ભક્તો માતા અંબેના દર્શન કરવા માટે ઉમટશે.
નવારાત્રિ પર્વે અંબાજીમાં વિશેષ કાર્યક્રમો
નવરાત્રિ મહોત્સવ પર યાત્રાધામ અંબાજી ખાતે વિશેષ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે આસો સુદ-1, રવિવાર તા. 11 ઓક્ટોબર 2026ના રોજ સવારે 9 વાગ્યાથી સવારે 10.30 કલાકે શાસ્ત્રોક્ત વિધિથી ઘટ સ્થાપન કરવામાં આવશે. આસો સુદ-8 (દુર્ગાષ્ટમી), સોમવાર તા. 19 ઓક્ટોબર 2026ના રોડજ સવારે 6 કલાકે માતા અંબાજીની આરતી કરાશે, તેમજ સવારે 10,00 કલાકે ઉત્થાપન વિધિ સંપન્ન થશે. ત્યારબાદ આસો સુદ-10 (વિજયાદશમી), મંગળવાર તા. 20 ઓક્ટોબર 2026ના રોજ સાજે 4.00 કલાકે સમીપૂજન કરાશે.
શરદ પૂર્ણિમા પર્વે વિશેષ આરતી
આ ઉપરાંત, શરદ પૂર્ણિમા પર્વ નિમિત્તે તા. 25/10/2026, રવિવારના રોજ રાત્રે 12:00 કલાકે માતાજીને દૂધ-પૌંઆનો ભોગ ધરાવી કપૂર આરતી કરવામાં આવશે. આસો સુદ-15 (પૂનમ), સોમવાર તા. 26/10/2026 ના રોજ સવારની આરતી 06:00 કલાકે થશે. તા. 20/10/2026થી મંદિરમાં આરતી અને દર્શનનો સમય રાબેતા મુજબ પૂર્વવત રહેશે તેમ દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટરે જણાવ્યું છે.
અંબાજી ખાતે ઉમટ્યો ભક્તોનો પ્રવાહ
નવરાત્રિના નવ દિવસો સુધી ભક્તો અને દર્શનાર્થીઓને કોઈ અગવડ ન પડે તે હેતુથી બનાસકાંઠા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સુસજ્જ બન્યું છે. મંદિર પરિસરમાં પણ ભક્તોની ભારે ભીડને નિયંત્રિત કરવા માટે ખાસ વ્યવસ્થા ગોઠવાઈ છે. તેમજ નવરાત્રિના પાવન પર્વે ગુજરાતના ખૂણે ખૂણેથી ભક્તો માતાના દર્શન કરવા ઉમટશે.
