શક્તિ, ભક્તિ અને આસ્થાનો મહાસાગર: અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને માઈભક્તોમાં ભારે ઉત્સાહ, તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થાઓ

અંબાજી ખાતે 20 થી 26 સપ્ટેમ્બર 2026 દરમિયાન યોજાનાર ભાદરવી પૂનમ મહામેળાની વિગતો. સુરક્ષા, સફાઈ, ડ્રોન શો અને પદયાત્રિકો માટેના વીમા કવચ વિશે જાણો સંપૂર્ણ માહિતી.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 16 Sep 2026 05:07 PM (IST)Updated: Wed, 16 Sep 2026 05:11 PM (IST)
ambaji-bhadravi-punam-mela-2026-grand-preparations-revealed

Ambaji Bhadravi Punam Mela 2026: શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર અંબાજી ખાતે આગામી 20 થી 26 સપ્ટેમ્બર 2026 દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાવા જઈ રહ્યો છે. મેળાના સુચારુ આયોજન અને વહીવટી તંત્ર દ્વારા કરાયેલી વિવિધ વ્યવસ્થાઓની જાણકારી આપવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટર મિહિર પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે આવેલા કાળીદાસ મિસ્ત્રી ભવનમાં એક વિશેષ પત્રકાર પરિષદ યોજાઈ હતી.

આ પત્રકાર પરિષદમાં દર્શન, વિસામો, ભોજન, પાર્કિંગ, સુરક્ષા, સલામતી, પ્રસાદ, પગરખાં, સફાઈ, પેયજળ અને ટોઇલેટ જેવી પ્રાથમિક સુવિધાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ વર્ષે મેળાને વધુ યાદગાર બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા 29 જેટલી જિલ્લા કક્ષાની સમિતિઓની રચના કરવામાં આવી છે.

29 સમિતિઓ દ્વારા ઝીણવટભર્યું આયોજન

પત્રકાર પરિષદને સંબોધતાં જિલ્લા કલેકટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, માઈભક્તોને કોઈપણ જાતની અગવડ ન પડે તે માટે વિશેષ આયોજન કરાયું છે. દરેક સમિતિના અધ્યક્ષ તરીકે ક્લાસ-વન અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. તેમણે દેશ-વિદેશના કરોડો માઈભક્તોને અંબાજી પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવ્યું હતું. સાથે જ, વિદેશમાં બેઠેલા ભક્તો પણ ડિજિટલ માધ્યમથી મા અંબેના દર્શનનો લાભ લઈ શકે તે માટે પ્રચાર-પ્રસાર કરવા અનુરોધ કર્યો હતો.

naidunia_image

પદયાત્રિકો માટે વીમા કવચ અને ડ્રોન શોનું આકર્ષણ

ચાલુ વર્ષે મેળામાં કેટલાક વિશેષ આકર્ષણો રાખવામાં આવ્યા છે, જેમાં-

ડ્રોન શો: હવામાન અનુકૂળ રહેશે તો 22 અને 23 સપ્ટેમ્બરના રોજ અંબાજી મંદિર ખાતે ભવ્ય ડ્રોન શો યોજાશે અને ગબ્બર ખાતે વિશેષ રોશની કરાશે.

પદયાત્રિકો માટે વીમા કવચ: ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતભર તેમજ રાજસ્થાનના 50 કિમી વિસ્તાર સુધીના પદયાત્રિકો માટે 10 કરોડનું વીમા કવચ રહેશે. બનાસકાંઠા હદમાં કોઈ આકસ્મિક ઘટના ઘટે તો તાત્કાલિક 2 લાખ રૂપિયાની વીમા સહાય મળશે.

સ્વચ્છતા અને સેવાનો ઉત્તમ સમન્વય

જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવેએ જણાવ્યું હતું કે, પાંચ ઝોનમાં આશરે 2,000 સફાઈ મિત્રો અને 135 થી 150 ટ્રેક્ટરોની મદદથી રાત્રિના સમયે પણ સઘન સફાઈ અભિયાન ચલાવવામાં આવશે. કચરાના નિકાલ માટે જટાયુ મશીનનો ઉપયોગ થશે તથા દાંતા અને હડાદ રોડ પર 750 થી વધુ ડસ્ટબિન મુકાયા છે. પ્લાસ્ટિકના ફેલાવાને રોકવા સેવાકીય વાહનો માટે 10 સ્થળોએ રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરાઈ છે.

naidunia_image

"ફોર્સ નહીં, ફેસિલિટેશન": પોલીસ વિભાગનો ચુસ્ત બંદોબસ્ત

સુરક્ષા અંગે માહિતી આપતાં જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બેએ જણાવ્યું કે, પોલીસ વિભાગ "ફોર્સ તરીકે નહીં પરંતુ ફેસિલિટેશન" તરીકે કામ કરશે.

  • મેળામાં 5,000 જેટલા પોલીસ જવાનો બે શિફ્ટમાં ફરજ બજાવશે.
  • ડુંગરાળ વિસ્તારોમાં ઘોડેસવાર પોલીસ તૈનાત રહેશે.
  • 750 થી વધુ સીસીટીવી કેમેરા અને ખાસ ટીમો દ્વારા રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ થશે.
  • મહિલાઓની સુરક્ષા માટે ખાસ 'SHE' ટીમ કાર્યરત રહેશે.

મંદિર ટ્રસ્ટ દ્વારા ડિજિટલ સુવિધાઓ

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર કૌશિકભાઈ મોદીએ જણાવ્યું હતું કે, અંબાજીથી 60 કિલોમીટર વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ, સ્માર્ટ પાર્કિંગ, બાળ સહાયતા કાર્ડ અને વેબસાઈટ મારફત સેવા કેમ્પની ડિજિટલ નોંધણી જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

આ પત્રકાર પરિષદમાં બનાસકાંઠા નાયબ માહિતી નિયામક કુલદીપ પરમાર સહિત મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને મેળાના આયોજન અંગે મહત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા.