Ambaji Bhadarvi Poonam Mela 2026: શક્તિ, ભક્તિ અને શ્રદ્ધાનું સર્વોચ્ચ શિખર એટલે યાત્રાધામ અંબાજી. માતાજીનું હૃદય અહીં બિરાજમાન હોવાથી શ્રદ્ધાળુઓ આ શક્તિપીઠ પ્રત્યે વિશેષ આસ્થા ધરાવે છે. 'દેવી ભાગવત પુરાણ'માં પણ શક્તિપીઠ અંબાજીનો મહિમા વિશેષરૂપે વર્ણવાયેલો જોવા મળે છે. આગામી 20 થી 26 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમે અહીં ભવ્ય મહામેળો યોજાવા જઈ રહ્યો છે, ત્યારે આવો જાણીએ આ પવિત્ર શક્તિપીઠનો રોમાંચક અને પૌરાણિક ઇતિહાસ..
હૈયાથી હૈયું દળાય તેવું ભક્તજનોનું ઘોડાપૂર
યાત્રાધામ અંબાજીમાં યોજાતા ભાદરવી પૂનમના આ મહામેળામાં દેશભરમાંથી લાખોની સંખ્યામાં માઈ ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન આ શક્તિપીઠમાં માતાજીનું હૃદય અસલી રૂપમાં બિરાજમાન હોવાની માન્યતાને કારણે શ્રદ્ધાળુઓમાં અંબાજી પ્રત્યે અનોખો મહિમા જોવા મળે છે.
દેવી સતીના પ્રાગટ્ય અને શક્તિપીઠની રચનાની કથા
પુરાણો અનુસાર, પ્રજાપિતા દક્ષે બૃહસ્પતિ સક નામના મહાયજ્ઞનું આયોજન કર્યું હતું જેમાં તમામ દેવોને બોલાવ્યા પરંતુ જમાઈ ભગવાન શંકરને આમંત્રણ ન આપ્યું. પિતાના ઘેર યજ્ઞ હોવાની વાત જાણીને ભગવાન શિવની સંમતિ વગર દેવી સતી ત્યાં પહોંચ્યાં. પિતા દ્વારા પતિ શિવની નિંદા સાંભળીને દેવી સતીએ યજ્ઞકુંડમાં કૂદીને પોતાના પ્રાણ ત્યાગ્યા.
ભગવાન શિવજીએ દેવી સતીના નિશ્ચેતન દેહને જોઈને તાંડવ આદર્યું અને સૃષ્ટિના વિનાશના ડરથી ભગવાન વિષ્ણુએ ચક્ર દ્વારા દેવી સતીના શરીરના ટુકડા કર્યા. પૃથ્વી પર આ ટુકડાઓ જ્યાં-જ્યાં પડ્યા ત્યાં 51 શક્તિપીઠોનું નિર્માણ થયું, જેમાં અંબાજી શક્તિપીઠનું સ્થાન સર્વોપરી માનવામાં આવે છે.
મહિષાસુર મર્દિની અને દેવી અંબાજીનો પ્રભાવ
દેવી ભાગવતની દંતકથા મુજબ, બ્રહ્માંડ માટે ત્રાસરૂપ બનેલા રાક્ષસ મહિષાસુરનો નાશ કરવા માટે ત્રિદેવ (બ્રહ્મા, વિષ્ણુ, મહેશ) સહિત તમામ દેવતાઓ આદ્યશક્તિના શરણે ગયા હતા. ત્યારે દેવીએ સૂર્યના તેજ સાથે પ્રગટ થઈને પવિત્ર તલવારથી મહિષાસુરનો વધ કર્યો હતો, ત્યારથી તેઓ 'મહિષાસુર મર્દિની' તરીકે ખ્યાત થયા.
રામાયણ અને મહાભારત કાળ સાથે જોડાયેલા પૌરાણિક પ્રસંગો
શ્રીરામ અને અજય બાણ: રામાયણમાં વર્ણવ્યા અનુસાર, સીતાજીની શોધમાં નીકળેલા ભગવાન શ્રીરામ અને લક્ષ્મણને શ્રૃંગી ઋષિએ ગબ્બર પર દેવી અંબાજીની પૂજા કરવાનું કહ્યું હતું. રામે પૂજા કરતા દેવીએ તેમને 'અજય બાણ' આપ્યું હતું, જેની મદદથી રાવણ પર વિજય મેળવ્યો હતો.
શ્રીકૃષ્ણની ચૌલ ક્રિયા: દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણની વાળ ઉતારવાની વિધિ (ચૌલ ક્રિયા) પણ ગબ્બરની આ પવિત્ર ટેકરી પર જ કરવામાં આવી હતી. નંદરાજા અને યશોદા માતાએ પણ અહીં પૂજા કરી હતી.
મહારાણા પ્રતાપ સાથેનો નાતો: મેવાડના પ્રખ્યાત રાજપૂત રાજા મહારાણા પ્રતાપ આરાસુરી અંબા ભવાનીના અનન્ય ભક્ત હતા. માતાએ એકવાર સંકટમાંથી બચાવ્યા બાદ તેમણે પોતાની પ્રખ્યાત તલવાર માતાના ચરણોમાં અર્પણ કરી હતી.
મેળામાં યાત્રિકો માટે વિશેષ સુવિધાઓ
દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં પદયાત્રા કરીને લાખો માઈભક્તો મા અંબાના દર્શને પહોંચે છે. ભાવિકોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ, જિલ્લા વહીવટી તંત્ર અને અનેક સેવાભાવી સંસ્થાઓના સહયોગથી યાત્રિકો માટે રહેવા, જમવા, સુવા અને સુરક્ષિત દર્શનની ઉત્તમ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવે છે.
