Ambaji Bhadarvi Poonam Mela 2026: પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો આજે ત્રીજો દિવસ ભારે ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ઉજવાઈ રહ્યો છે. પવિત્ર ધામ અંબાજીમાં છેલ્લા બે દિવસ દરમિયાન કુલ 8,63,477 ભક્તોએ માતા અંબાના દિવ્ય દર્શન કરીને ધન્યતા અનુભવી છે. આ જ સમયગાળા દરમિયાન મંદિરના ભંડાર કાઉન્ટર પરથી બે દિવસમાં કુલ 57,49,121 રૂપિયાની દાનની આવક નોંધાઈ છે.
બે દિવસમાં 8.63 લાખ ભક્તોએ કર્યા દર્શન
દૂર-દૂરથી માઈભક્તો પગપાળા સંઘ લઈને અંબાજી ધામ તરફ આવી રહ્યા છે, જેના કારણે અંબાજી તરફ આવતા તમામ માર્ગો 'જય અંબે'ના જયઘોષથી ગુંજી ઉઠ્યા છે. આ મહામેળાના પ્રથમ બે દિવસ દરમિયાન કુલ 8,63,477 ભક્તોએ માતા અંબાના દર્શન કર્યા છે. આ સિવાય, મંદિરના ભંડાર કાઉન્ટર પર છેલ્લા બે દિવસમાં કુલ 57,49,121 રૂપિયાની આવક નોંધાઈ છે.
મહામેળાની આંકડાકીય હાઈલાઈટ્સ (21 સપ્ટેમ્બર)
| સેવાની વિગત | આંકડા/સંખ્યા |
|---|---|
| દર્શનાર્થીઓની સંખ્યા | 4,25,627 યાત્રિકો |
| ભંડારાની આવક | રૂપિયા 24,59,583 |
| પ્રસાદ પેકેટ વિતરણ | 4,07,767 પેકેટ |
| ચીકી પ્રસાદ પેકેટ | 3,137 પેકેટ |
| ભોજન પ્રસાદ લેનાર યાત્રિકો | 38,955 યાત્રિકો |
| બસ સેવા દ્વારા મુસાફરી | 52,706 યાત્રિકો (કુલ 1,173 ટ્રીપ) |
| રોપ-વે સેવાનો ઉપયોગ | 9,330 યાત્રિકો |
| ધ્વજારોહણ | 337 ધજા |
| આરોગ્ય સારવાર પામેલ દર્દીઓ | 17,699 દર્દીઓ |
| બાળ સુરક્ષા કાર્ડ વિતરણ | 21,781 કાર્ડ |
'જય અંબે' ના જયઘોષથી ગુંજી ઉઠ્યા માર્ગો
અંબાજી તરફ આવતા તમામ રસ્તાઓ પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યા છે અને ચારેય તરફ 'જય અંબે'નો જયઘોષ સંભળાઈ રહ્યો છે. દૂર-દૂરથી મા અંબાના દર્શનાર્થે પગપાળા સંઘ આવી રહ્યા છે, જેમાં અનેક ભક્તો કઠિન સાધનારૂપે દંડવત પ્રણામ કરતા કરતા મંદિર તરફ આગળ વધી રહ્યા છે. મંદિર પરિસર અને દર્શન માટેની રેલિંગ ભક્તોના મહેરામણથી ભરાઈ ગઈ છે.
લાખોની સંખ્યામાં આવતા યાત્રાળુઓ માટે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સતત સેવામાં કાર્યરત છે. માર્ગો પર વિવિધ સેવા મંડળ દ્વારા કેમ્પો ચલાવવામાં આવી રહ્યા છે. જ્યાં ભક્તો માટે નિશુલ્ક ભોજન, ચા, નાસ્તો, પીવાનું પાણી અને પાર્કિંગ જેવી ઉત્તમ સુવિધા ઉપલબ્ધ છે. આ સાથે ભક્તો પોતાની શ્રદ્ધા અનુસાર મુક્તમને દાન આપી રહ્યા છે, જેથી મંદિરના ભંડારમાં સતત વધારો થઈ રહ્યો છે.
દિવ્ય રોશનીથી ઝળહળી ઉઠ્યું અંબાજી ધામ
ભાદવી પૂનમ મહામેળાના પવિત્ર અવસરે અંબાજી શહેરના તમામ માર્ગો, મુખ્ય મંદિર અને તેના સમગ્ર પરિસરને આકર્ષક અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. અલગ-અલગ વિશિષ્ટ લાઇટિંગ અને સુશોભનથી શક્તિપીઠ અંબાજીની ભવ્યતા અને દિવ્યતામાં અનેકગણો વધારો થયો છે.
