Ambaji Bhadarvi Poonam Maha Mela 2024: બનાસકાંઠા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ અંબાજી યાત્રાધામ ખાતે ભાદરવી પૂનમના મહામેળો હવે તેના અંતિમ ચરણમાં છે. આ મહામેળાનો પ્રારંભ 12 સપ્ટેમ્બરથી થયો છે.રોજ હજારોની સંખ્યામાં માઈભક્તો માંના ધામમાં આવીને પોતાનું જીવન પાવન કરી રહ્યાં છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જારી કરવામાં આવેલ સત્તાવાર આંકડા અનુસાર, ભાદરવી પૂનમના મહામેળાના 6 દિવસ દરમિયાન અત્યાર સુધીમાં 26,92,063 ભક્તો માતાજીના દર્શન કરી ચૂક્યા છે. જે પૈકી ગત રવિવારે એટલે કે 15 સપ્ટેમ્બરના રોજ સૌથી વધુ 6.48 લાખ ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા.
દૂર દૂરથી આવતાં પદયાત્રીઓ અતૂટ આસ્થા લઈ માના દર્શન માટે આવે છે. ત્યારે સમગ્ર મેળા દરમિયાન શ્રદ્ધાળુઓની આસ્થાને અનુરૂપ તમામ પ્રકારની સુવિધાઓથી લાખો યાત્રાળુઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો. મેળાના છઠ્ઠા દિવસે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માઈભક્તો પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. માઇભક્તો પર ડ્રોન દ્વારા પુષ્પવર્ષા થતાં આ પુષ્પવર્ષાથી માઇ ભક્તો પુલકિત થઈ ઉઠ્યા હતા. સમગ્ર ચાચર ચોકમાં જય અંબેના ગગન ભેગી જય નાદ અને હર્ષનાદથી આનંદ છવાઈ ગયો હતો.
ડ્રોન સાથે ત્રિશુલ પર રાખવામાં આવ્યું હતું જે સમગ્ર મંદિર પરિસરમાં ફરી માઈ ભક્તોને આશીર્વાદ આપી રહ્યું હતું. આ પહેલાં પણ રંગબેરંગી રોશનીથી ઝળહળતા અંબાજી મંદિરનો ડ્રોન કેમેરાની મદદથી ઉતારવામાં આવેલો વીડિયો સામે આવ્યો હતો. જેમાં માતાજીનું મંદિર તેમજ મંદિરના પરિસરને અલગ-અલગ રંગની રોશનીથી સજાવવામાં આવેલું જોઈ શકાયું હતું.
જો પ્રસાદની વાત કરીએ તો, આજે છઠ્ઠા દિવસે મોહનથાળના પ્રસાદના કુલ 1,94,400 પેકેટ તેમજ 3920 પેકેટ ચિક્કીના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. જ્યારે આજે 280 ધજા રોહણ થયા હતા.
