અંબાજી ભાદરવી પૂનમ મહામેળો 2026: નારી શક્તિના હસ્તે મોહનથાળ પ્રસાદ બનાવવાની શરૂઆત, 40 લાખ પેકેટ તૈયાર કરાશે

ગણેશ ચતુર્થીના પાવન અવસરે અંબાજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કેમ્પસમાં વિશેષ ડોમ બનાવીને સ્વચ્છતાપૂર્ણ વાતાવરણમાં મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 15 Sep 2026 11:35 AM (IST)Updated: Tue, 15 Sep 2026 11:36 AM (IST)
ambaji-bhadarvi-poonam-fair-2026-mohanthal-prasad-preparation-begins-40-lakh-packets-to-be-made

Ambaji Bhadarvi Poonam Fair 2026: શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર ભાદરવી પૂનમ મહામેળા- 2026ને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ગુજરાત સહિત દેશભરમાંથી 35 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અંબાજી પગપાળા દર્શનાર્થે આવતા હોય છે, ત્યારે શ્રદ્ધાળુઓમાં માતાજીના પ્રિય મોહનથાળ પ્રસાદનું વિશેષ મહત્વ રહેલું છે. યાત્રાળુઓને પૂરતા પ્રમાણમાં અને શુદ્ધ પ્રસાદ મળી રહે તે માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ પ્રસાદને લઈને તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. મેળાના સુચારૂ આયોજન માટે તંત્ર દ્વારા અલગ-અલગ 28 સમિતિઓની રચના કરવામાં આવી છે.

મેળાના પ્રારંભ પૂર્વે ગઇકાલે ગણેશ ચતુર્થીના પાવન અવસરે અંબાજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કેમ્પસમાં વિશેષ ડોમ બનાવીને સ્વચ્છતાપૂર્ણ વાતાવરણમાં મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. શાસ્ત્રોક્ત વિધિ મુજબ હોમ-હવન કરીને નિર્વિઘ્ને અને શુદ્ધતાપૂર્વક પ્રસાદ નિર્માણ કાર્ય શરૂ કરાયું હતું. આ વર્ષે પ્રસાદ નિર્માણનો પ્રારંભ 'નારી શક્તિ'ના હસ્તે કરાવવામાં આવ્યો હતો, જેમાં ડીએફઓ, પ્રાંત અધિકારીઓ સહિતના મહિલા અધિકારીઓ અને અંબાજીના મહિલા સફાઈ યોદ્ધાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

naidunia_image

મહામેળા દરમિયાન અંદાજે 40 લાખ જેટલા મોહનથાળ પ્રસાદના પેકેટ તૈયાર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેના માટે આખા મેળા દરમિયાન 1000 જેટલા ઘાણ વપરાશે. મોહનથાળના એક ઘાણમાં 100 કિલો ખાંડ, 200 કિલો બેસન (ચણાનો લોટ), ૭6.5 કિલોથી વધુ શુદ્ધ દેશી ઘી અને 200 ગ્રામ ઇલાયચીનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રસાદ લાંબા સમય સુધી સારો અને ગુણવત્તાયુક્ત ટકી રહે તે માટે તેમાં દૂધનો ઉપયોગ કરવામાં આવતો નથી અને ઘીનો વિશેષ ઉપયોગ કરી તેની શુદ્ધતા અકબંધ રાખવામાં આવે છે.

naidunia_image

પ્રસાદની ગુણવત્તા, સ્વચ્છતા અને સુરક્ષા બાબતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. જિલ્લા પુરવઠા અધિકારી અને વહીવટદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ સતત પ્રસાદ નિર્માણ કાર્ય પર વોચ રાખી રહ્યા છે. આ ઉપરાંત, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા સમયાંતરે પ્રસાદના સેમ્પલ લઈને તેની શુદ્ધતા ચકાસવામાં આવી રહી છે. પ્રસાદ નિર્માણ સ્થળે સુરક્ષાકર્મીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે, જેથી કોઈપણ અડચણ વિના શ્રદ્ધાળુઓને ઉચ્ચ ગુણવત્તાવાળો પ્રસાદ મળી રહે.

naidunia_image

સફાઈ યોદ્ધા પિન્કીબેન સોલંકીએ પોતાની જણાવ્યું હતું કે, ભાદરવી પૂનમ મહામેળા પૂર્વે આજે યોજાયેલા હોમ-હવન અને મોહનથાળ પ્રસાદ નિર્માણના શુભારંભમાં સફાઈ કામદાર બહેનોને સહભાગી બનાવી આગળ રાખવામાં આવ્યા તે અમારા સૌ માટે અત્યંત ગૌરવ અને હર્ષની ક્ષણ છે. માઁ અંબાના આશીર્વાદ સાથે લાખો શ્રદ્ધાળુઓ માટે બનનારા પવિત્ર પ્રસાદ સેવાનો આવો ઉત્તમ અવસર માટે અમે સહભાગી બન્યા તે આનંદની બાબત છે. આ પાવન કાર્યમાં અમને અગ્રેસર રાખી અમારું બહુમાન કરવા બદલ અમે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અને સમગ્ર વહીવટી તંત્રનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ તેમજ સમગ્ર મેળા દરમિયાન પૂરી નિષ્ઠા, શુદ્ધતા અને સ્વચ્છતા સાથે માઈભક્તોની સેવા કરવા કટિબદ્ધ છીએ.