ઈડર પંથકમાં સોમવારે ધોધમાર 6 ઈંચ વરસાદ દરમિયાન જાલીયા ગામની સીમમાંથી પસાર થતા વાંઘાના ધસમસતા પ્રવાહમાં એક યુવક ફસાયો હતો. પાણીના પ્રવાહમાં અધવચ્ચે ફસાયેલા આ યુવકે બચાવવા માટે બુમાબુમ કરતા વાંઘુ જોવા આવેલા અન્ય 2 યુવકોએ મળી જીવની બાજી લગાવી એકલે હાથે રેસ્ક્યુ ઓપરેશન પાર પાડી યુવકનો જીવ બચાવ્યો હતો.
તાલુકામાં સોમવારે સાર્વત્રિક 6 ઈંચ વરસાદને કારણે નદી-નાળા-તળાવ અને વાંઘા કોતરોમાં પાણીની પુષ્કળ આવક થઈ હતી. આ દરમિયાન વરસાદને કારણે જાલીયા ગામની સીમમાંથી પસાર થતા વાંઘામાં પણ પાણીની આવક વધતા વાંધુ 2 કાંઠે વહેતું થયું હતું. વાંઘામાં પાણીની ભયજનક સપાટી અને ધસમસતો પ્રવાહ છતાં ગામના દશરથજી ઘેમરજી ચૌહાણ નામના યુવકે વાંઘુ ઓળંગવાનો પ્રયાસ કર્યો હતો.
