Navsari News: નવસારીમાં રહેતા 90 વર્ષીય હીરાબાને પીએમ મોદીને મળવાની ઈચ્છા છે અને પીએમ મોદીને મળવા માટે તેઓ નવસારીથી ટ્રેનમાં બેસીને દિલ્હી જવા નીકળ્યા હતા. પરંતુ તેઓ રસ્તામાં ભૂલા પડ્યા અને દિલ્હીની જગ્યાએ ગુરુગ્રામ રેલ્વે સ્ટેશન પર ઉતરી ગયા હતા. બીજી તરફ તેઓને તંત્ર અને ભાજપના આગેવાનોની મદદથી નવસારી પરત લાવવામાં આવ્યા છે.
90 વર્ષીય હિરાબાની પીએમ મોદીને મળવાની ઈચ્છા
મળતી માહિતી મુજબ, નવસારીના વિજલપોરના સંભાજીનગરમાં 90 વર્ષીય હીરાબા એકલા રહે છે. હીરાબાને પીએમ નરેન્દ્રભાઈ મોદીને મળવાની ઈચ્છા હોવાથી તેઓ નવસારીથી ટ્રેનમાં બેસીને દિલ્હી માટે જવાના થયા હતા. પરંતુ તેઓ દિલ્હીની જગ્યાએ ગુરુગ્રામ સ્ટેશન પર ઉતરી ગયા હતા. ભૂલા પડી ગયા હોવાથી તેઓ મુશ્કેલીમાં મૂકાયા હતા. નવસારી રેલવે સ્ટેશન પર હીરાબા પરત ફરતા જ પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ, જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહ સહિતના અગ્રણીઓ અને ભાજપના કાર્યકરો સ્ટેશને દોડી આવ્યા હતા.
નવસારી પાછા ફરતાં હિરાબાનું સ્વાગત
90 વર્ષની વયે પણ દેશના વડાપ્રધાન પ્રત્યેનો અતૂટ પ્રેમ દર્શાવનાર હીરાબા જ્યારે હેમખેમ પોતાના વતન પરત ફર્યા, ત્યારે સ્ટેશન પર ભાવુક દૃશ્યો સર્જાયા હતા. નવસારીમાં જ્યારે પણ કોઈ મોટા નેતા કે મંત્રીઓનો કાર્યક્રમ હોય, ત્યારે આ વૃદ્ધા ઉત્સાહભેર ત્યાં પહોંચી જાય છે. થોડા દિવસો પહેલા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવસારી આવ્યા હતા ત્યારે હીરાબા તેમને મળવા ગયા હતા.
હિરાબા પીએમ મોદીને મળવા નીકળી ગયા
હીરાબાએ જણાવ્યું હતું કે, સાબરમતી ઉતરીને હું રીક્ષામાં બેસતી હતી. ત્યારે પોલીસવાળા મને લેવા આવ્યા અને મને કાલુપુર મૂકી ગયા હતા. મને ત્યાં ચા નાસ્તો પણ કરાવ્યો હતો અને ત્યાં એક મહિલાએ મને 500 રૂપિયા પણ આપ્યા હતા પણ મેં ના કહી હતી. તેમણે મને કહ્યું કે, અહીથી ગાડી 6 વાગ્યે ઉપડશે. મારા પરિવારમાં કોઈ નથી હું એકલી રહું છું. મારે કોઈ કમાનારું નથી. કોઈ કંઈ ભોજનસામગ્રી આપે એમાંથી જ જમવાનું બનાવું છું અને ઘરખર્ચ કાઢું છું. પીએમ નરેન્દ્ર મોદીને આશીર્વાદ આપવા માટે એક વાર મળવું છે. તેઓ જ્યારે નવસારી આવે છે ત્યારે સ્ટેજ પર મળવાનો મોકો મળી શકે એમ નથી. જેથી મને વિચાર આવ્યો કે હું તેઓને મળવા દિલ્હી જાવ.
સ્થાનિક રેલ્વે પોલીસે કરી મદદ
આ અંગે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહે જણાવ્યું કે, હિરાબા ભૂલથી દિલ્હીને બદલે ગુરુગ્રામ પહોંચી ગયા.જ્યાં સ્થાનિક રેલવે પોલીસે તેમને મદદ કરી હતી. કલેક્ટર કચેરીમાં પીએ તરીકે ફરજ બજાવતા એક યુવાનને આ અંગે ફોન આવ્યો હતો. જેણે સમગ્ર વિગતની મને જાણ કરી હતી. જેથી મે અમદાવાદના આઈજીને જાણ કરતાં આઈજી અને ગુરુગ્રામ પોલીસ વચ્ચે લાઈઝનિંગ થયું.
ગુરુગ્રામથી હીરાબાને ગુરુગ્રામથી સાબરમતી રેલ્વે સ્ટેશન સુધી પહોંચાવામાં આવ્યા હતા. સાબરમતી રેલવે સ્ટેશન પરથી સુરક્ષિત રીતે માજીને નવસારી મોકલી દેવાયા હતા. નવસારી આવતા ઘણા રાજકીય નેતાઓ અને મંત્રીઓ હિરાબાની મુલાકાત લેવા આવે છે પરંતુ ઘણીવાર પ્રોટોકોલને લીધે તેમને મળવા દેવામાં આવતા નથી.
