નવસારી: આચાર્ય નીતિન પાઠકને મળ્યો રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર, રંગપુર પ્રાથમિક શાળાનો કર્યો કાયાકલ્પ

નીતિનકુમાર પાઠક વર્ષ 2015માં રંગપુર પ્રાથમિક શાળામાં ફરજ પર આવ્યા હતા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 06 Sep 2026 11:10 AM (IST)Updated: Sun, 06 Sep 2026 11:10 AM (IST)
navsari-vansda-rangpur-primary-school-principal-nitin-pathak-receives-national-teachers-award-2026
આચાર્ય નીતિન પાઠકને રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડ

National Teacher Award-2026: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની રંગપુર પ્રાથમિક શાળાના આચાર્ય નીતિનકુમાર મહેન્દ્રકુમાર પાઠકને શિક્ષક દિન નિમિત્તે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે 'રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ-2026' થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સર્વોચ્ચ સન્માન મળવા બદલ રંગપુર ગામ, વાંસદા અને સમગ્ર ગુજરાત રાજ્યનું ગૌરવ વધ્યું છે.

લોકભાગીદારી અને દાનથી શાળાનો નવો અવતાર

રંગપુર પ્રાથમિક શાળાના આચાર્ય નીતિન પાઠકે રંગપુર અહીં અવનવા પ્રયોગો હાથ ધરીને ગ્રામીણ અને આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં અભૂતપૂર્વ સફળતા અપાવી છે. નીતિનકુમાર પાઠક વર્ષ 2015માં રંગપુર પ્રાથમિક શાળામાં ફરજ પર આવ્યા હતા.

આચાર્ય નીતિન પાઠકે ગ્રામજનો અને લોકભાગીદારીના સહયોગથી આશરે 1.48 કરોડનું માતબર દાન એકત્ર કર્યું હતું. આ દાનથી સામાન્ય સરકારી શાળાનો સંપૂર્ણ કાયાકલ્પ કરીને તેને ટેકનોલોજી આધારિત 'ધ નેક્સ્ટ જનરેશન ગવર્મેન્ટ સ્કૂલ' માં પરિવર્તિત કરવામાં આવી છે. આ ભગીરથ કાર્યમાં શિક્ષકો, વાલીઓ, ગ્રામજનો સહિત શિતાંજલી ફાઉન્ડેશન અને શેઠજી ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ અને દાતાઓનો અત્યંત મહત્વનો સહયોગ સાંપડ્યો છે.

7D VR લેબ ધરાવતી રાજ્યની પ્રથમ સરકારી શાળા

આ આધુનિક યુગમાં અંતરિયાળ અને આદિવાસી વિસ્તારના બાળકો શહેરી બાળકોથી પાછળ ન રહી જાય તે માટે રંગપુર શાળામાં 7D VR (વર્ચ્યુઅલ રિયાલિટી) લેબ શરૂ કરવામાં આવી છે. આ આધુનિક ટેકનોલોજીથી શિક્ષણ આપતી રંગપુર શાળા સમગ્ર ગુજરાત રાજ્યની પ્રથમ સરકારી શાળા બની છે.

આ ઉપરાંત, શાળામાં વિદ્યાર્થીઓને ટેબલેટ અને ટચ સ્ક્રીન દ્વારા સ્માર્ટ શિક્ષણ આપવામાં આવે છે. શાળાના અદ્યતન સાયન્સ સેન્ટરમાં વિજ્ઞાનના વિવિધ સિદ્ધાંતો સમજાવવા માટે 108 જેટલા વર્કિંગ મોડેલ મૂકવામાં આવ્યા છે. એટલું જ નહીં, આ સરકારી શાળાની દીકરીઓ પોતાના અલાયદા ન્યૂઝ સ્ટુડિયોમાં હિન્દી સમાચાર બુલેટિનનું એન્કરિંગ પણ કરે છે.

ISRO માં વિદ્યાર્થીઓની પસંદગી અને નેશનલ રેન્કિંગ

આચાર્ય અને સ્ટાફના સઘન પ્રયાસોને કારણે રંગપુર શાળાના ધોરણ-8ના બે વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ 'ગ્રીન કોલ' પ્રોજેક્ટ ISRO ગાંધીનગર ખાતે પસંદ કરવામાં આવ્યો, જ્યાં તેમને 15 દિવસની વિશેષ વૈજ્ઞાનિક તાલીમ પણ આપવામાં આવી હતી. રાષ્ટ્રીય સ્તરે પણ રંગપુર શાળાએ મોટું નામ રોશન કર્યું છે. 'સ્વચ્છ અને હરિત વિદ્યાલય' અભિયાનમાં આ સરકારી શાળાને સમગ્ર દેશમાં 14મો રેન્ક મળ્યો છે. આ સિવાય 'ઈન્ડિયન ગ્રીન સ્કૂલ કાઉન્સિલ' માં ઉર્જા બચત અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે તેને રાષ્ટ્રીય સ્તરે 8મો નંબર મળ્યો છે.

ખાનગી શાળા છોડી, બાળકો સરકારી શાળામાં આવ્યા

આચાર્ય નીતિનકુમાર પાઠક દ્વારા વિશેષ રૂપે તૈયાર કરાયેલું 365 દિવસનું ગણિત-વિજ્ઞાન કેલેન્ડર અને QR કોડ આધારિત સ્માર્ટ શિક્ષણ પદ્ધતિ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે. તેમની આ અનોખી શૈક્ષણિક તરાહને પરિણામે છેલ્લા ત્રણ વર્ષમાં રંગપુર શાળાના 89 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓએ સરકારી મેરિટ પરીક્ષાઓમાં શ્રેષ્ઠ સ્થાન મેળવ્યું છે. આ જ ઉચ્ચ ગુણવત્તાસભર અને આધુનિક શિક્ષણ પદ્ધતિથી પ્રભાવિત થઈને આસપાસની નામાંકિત ખાનગી શાળામાંથી પણ મોટા પાયે વિદ્યાર્થીઓ આ સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે.