નવસારી: વાપીની સિક્યુરિટી એજન્સીની આડમાં ચાલતું ગાંજાનું નેટવર્ક ઝડપાયું, 4 શખ્સોની ધરપકડ; 9 લોકો વોન્ટેડ

વાપીમાં 'ટાઈગર' નામની સિક્યુરિટી એજન્સી ચલાવતો પ્રમોદ પાઠક આ નેટવર્કનો મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 22 Nov 2026 11:44 PM (IST)Updated: Sun, 22 Nov 2026 11:44 PM (IST)
navsari-police-busted-vapi-hybrid-ganja-network-four-arrested-nine-wanted

Navsari Drugs Network: નવસારી LCB અને ગણદેવી પોલીસની સંયુક્ત ટીમે આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે નેશનલ હાઈવે પર ખારેલ ટોલનાકા પાસે બે કારમાંથી અંદાજે ₹3.28 કરોડની કિંમતનો 9.375 કિલોગ્રામ હાઈબ્રિડ ગાંજો જપ્ત કર્યો છે. સાથે જ પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. વાપીમાં 'ટાઈગર' નામની સિક્યુરિટી એજન્સી ચલાવતો પ્રમોદ પાઠક આ નેટવર્કનો મુખ્ય સૂત્રધાર હોવાનું અને નેટવર્કના તાર બેંગકોક અને મુંબઈ સુધી જોડાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

બે કારમાંથી 9.375 કિલો હાઈબ્રિડ ગાંજો મળ્યો

નવસારી LCB પોલીસને ચોક્કસ બાતમી મળી કે, કેટલાક શખ્સો વડોદરાથી હાઈબ્રિડ ગાંજાના જથ્થા સાથે વાપી તરફ આવી રહ્યા છે. બાતમીના આધારે પોલીસ ટીમે ખારેલ ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. પોલીસે બે કાર રોકીને તપાસ કરતા તેમાંથી 9.375 કિલોગ્રામ હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો હતો.

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આરોપીઓ વાપીથી હાઈબ્રિડ ગાંજાનો જથ્થો લઈને વડોદરા પહોંચ્યા હતા. ત્યાં જયંતી નામના શખ્સને અમુક જથ્થો આપ્યા બાદ બાકીના માલ સાથે તેઓ વાપી પરત ફરી રહ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, બજારમાં આ હાઈબ્રિડ ગાંજાની કિંમત અંદાજે ₹35 લાખ પ્રતિ કિલો છે.

4 આરોપીઓની ધરપકડ, 9 શખ્સો વોન્ટેડ જાહેર

આ કેસમાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે.

  • 34 વર્ષીય પ્રમોદ કૃપાશંકર પાઠક (રહે. વટાર, વાપી; મૂળ-ઉત્તર પ્રદેશ)
  • 30 વર્ષીય વિષ્ણુ મહેશ રામકિશન સીંગ (રહે. વટાર, વાપી; મૂળ-ઉત્તર પ્રદેશ)
  • પ્રેમચંદ ઉર્ફે રાહુલ લાલજી જુઠન યાદવ (રહે. વટાર, વાપી; મૂળ-ઉત્તર પ્રદેશ)
  • મિકેત પ્રવિણભાઈ કેશવભાઈ પટેલ (રહે. ડાભેલ ગામ, દમણ)

પોલીસે આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય 9 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. તેમાં બેંગકોકમાં રહેતો રોની, મુંબઈનો ક્રિષ્ના, દમણનો બંટી, વિકાસ ઉર્ફે મોક્ષભૈયા જયસ્વાલ, જયંતી પ્રજાપતિ, ગુરકરંદસિંહ બેન્સ, અબ્દુલ રહેમાન સમીમ હક, વિપુલ ખટવા અને ઋત્વિક કલ્સકરનો સમાવેશ થાય છે. પોલીસ હવે તમામ આરોપીની તપાસ કરી રહી છે.

સિક્યુરિટી એજન્સીની આડમાં કાળો કારોબાર

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી પ્રમોદ પાઠક અગાઉ મુંબઈમાં બાઉન્સર તરીકે કામ કરતો હતો. હાલમાં તે વાપીમાં 'ટાઈગર' નામની સિક્યુરિટી એજન્સી ચલાવે છે. પોલીસના જણાવ્યા મુજબ, એજન્સીની આડમાં તે આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્ક ચલાવતો હતો. તેની સાથે ઝડપાયેલા આરોપીઓમાં વિષ્ણુ સીંગ ટેક્સી ડ્રાઈવર છે, જ્યારે મિકેત પટેલ વાપીની પ્લાસ્ટિક બોટલ બનાવતી કંપનીમાં નોકરી કરે છે.

બેંગકોક-મુંબઈ સુધી જોડાયેલા નેટવર્કના તાર

આ નેટવર્કના તાર થાઈલેન્ડના બેંગકોક સુધી જોડાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. બેંગકોકમાં રહેતો અને મૂળ મુંબઈના અંધેરીનો રોની આ કેસમાં વોન્ટેડ આરોપી છે. પોલીસ તપાસ મુજબ, પ્રમોદ પાઠક રોનીના સીધા સંપર્કમાં હતો અને તેના મારફતે હાઈબ્રિડ ગાંજો ભારતમાં અલગ-અલગ માધ્યમોથી લાવવામાં આવતો હતો. ત્યારબાદ મુંબઈના રસ્તે વાપી પહોંચાડીને ત્યાંથી અન્ય શહેરોમાં સપ્લાય કરવામાં આવતો હતો.

વિષ્ણુ સીંગ અગાઉ અમદાવાદમાં ઝડપાયો હતો

પોલીસ તપાસમાં ઝડપાયેલા કેટલાક આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ પણ સામે આવ્યો છે. જેમાં વિષ્ણુ સીંગ વર્ષ 2024માં અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગ દ્વારા NDPS એક્ટની ગંભીર કલમો હેઠળ ઝડપાયો હતો. પ્રમોદ પાઠકની સામે વર્ષ 2017માં વાપી GIDC અને વર્ષ 2018માં નાની દમણ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે.

વિકાસ ઉર્ફે મોક્ષભૈયા જયસ્વાલની સામે વર્ષ 2023માં વાપી GIDC અને ભીલાડ પોલીસ સ્ટેશનમાં ચોરી સહિતની કલમો હેઠળ ગુના નોંધાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ ઓપરેશન દરમિયાન પોલીસે કુલ ₹3,45,06,270નો મુદ્દામાલ કબજે કર્યો છે. તેમાં બે કાર, 7 મોબાઈલ ફોન, રોકડ અને અન્ય સામગ્રીનો સમાવેશ થાય છે.

મુંબઈ-બેંગકોક સિન્ડિકેટના નાણાકીય વ્યવહાર

વલસાડ SP રાહુલ પટેલે જણાવ્યું હતું કે નવસારી LCB પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખારેલ ટોલનાકા પાસે બંને વાહનો રોકીને તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 9.375 કિલોગ્રામ હાઈબ્રિડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો અને 4 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછમાં અન્ય 9 આરોપીના નામ સામે આવતાં તેમને વોન્ટેડ જાહેર કર્યા છે.

આ ગુનાની તપાસ ચીખલી DYSP ગોહિલના સુપરવિઝન હેઠળ ગણદેવી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. પોલીસ હવે આરોપીઓના રિમાન્ડ મેળવી વડોદરામાં કોને ડ્રગ્સનો જથ્થો પહોંચાડવામાં આવ્યો હતો, નાણાકીય વ્યવહારો કેવી રીતે થતા હતા અને હવાલા મારફતે કોઈ લેવડદેવડ થઈ હતી કે કેમ તે દિશામાં તપાસ કરશે.