Navsari News: સમરોલી ગામે બે કલાકના ગાળામાં મામા અને ભાણેજનું મોત થતાં ગમગીની, 21 વર્ષના મામા તળાવમાં નાહવા પડતા ડૂબી ગયા

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Wed, 10 Apr 2024 11:27 AM (IST)Updated: Wed, 10 Apr 2024 12:36 PM (IST)
navsari-news-uncle-and-niece-died-within-two-hours-in-samaroli-village-in-chikhli

Navsari News: ચીખલી નજીકના સમરોલી ગામે તળાવમાં નાહવા પડેલો 21 વર્ષનો યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. જેના બે કલાક બાદ જ ગામમાં રહેતી તેની 9 વર્ષની ભાણેજને રમતા રમતા ગળામાં કપડાના દુપટ્ટાનો ફાંસો લાગી જતા શ્વાસ રૂંઢાવાથી મોત થયું હતું. કેટલીક વખત કુદરત પણ એવા સંકેતો સાથે જીવનમાં ઘટમાળ સર્જી જતું હોય છે. જે લોકોને વિચારતું કરી મુકે છે. મામા અને ભાણેજ બન્નેના ટુંકા ગાળામાં જ અને એ પણ અકસ્માતે મોત થતા ચીખલી પંથક પણ કંઇક આવું જ વિચારે ચઢી ગયું હતું.

પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ચીખલી તાલુકાના સમરોલી ગામમાં પહાડ ફળીયા ખાતે રહેતો યોગેશભાઈ કનુભાઈ કુકણા ગામના મોટા તળાવમાં બપોરે નાહવા માટે ગયો હતો. તે તળાવના ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો. જે અંગેની જાણ બીલીમોરા તરવૈયાને કરાતા જેમણે તળાવમાંથી યોગેશની લાશ શોધી કાઢી હતી. આ અંગે કાકા વિજય ઝીણાભાઈ ફૂંકણાએ પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે સમરોલી વાડી ફળીયા ખાતે રહેતા રાકેશ સોલંકીની પુત્રી નિશા રાકેશભાઈ સોલંકી સમરોલી પ્રાથમિક શાળામાં ધોરણ-4માં અભ્યાસ કરતી હતી. તે બપોરે ફળિયાની બે-ત્રણ છોકરી સાથે કેસરી કલરનો દુપટ્ટો પહેરી રમતી ઘરે આવી ત્યારે આ દુપટ્ટાનો ગળામાં ફાંસો લાગી જતાં નિશાને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવની ફરિયાદ પિતા રાકેશ સોલંકીએ કરતા વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે. નિશા તળાવમાં ડુબીને મૃત્યુ પામનાર યોગેશ કુકણાની ભાણેજ થાય છે. મામા-ભાણેજના બે કલાકના સમય ગાળામાં જ કમોત થતાં ગામમાં શોકની કાલીમા ફરી વળી છે.