Navsari News: નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના અબ્રામા ગામે ચોરમલા ફળિયા પાસે ગત રાત્રે 9.30 વાગ્યાની આસપાસ સર્જાયેલા આ અકસ્માતમાં નવસારી મહાનગરપાલિકાના ફાયર જવાન સહિત બે યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ દુર્ઘટનાથી સમગ્ર ફાયર વિભાગ અને મૃતકોના પરિવારજનોમાં શોકની લહેર છવાઈ ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વિજલપોર ફાયર સ્ટેશનમાં છેલ્લા 22 વર્ષથી ફરજ બજાવતા ચંદ્રકાંતભાઈ ટંડેલ ગત રાત્રે પોતાની નાઈટ શિફ્ટ ડ્યુટી માટે કૃષ્ણપુરથી બાઈક લઈને વિજલપોર ફાયર સ્ટેશન તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન અબ્રામા ગામે ચોરમલા ફળિયા પાસે સામેથી આવી રહેલી અન્ય એક બાઈક સાથે તેમની ટક્કર થઈ હતી.આ અકસ્માતની ઘટનામાં ફાયર જવાન ચંદ્રકાંતભાઈ ટંડેલ અને સામેની બાઈક પર સવાર પંચમહાલ જિલ્લાના પીતેન્દ્ર નામના યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંને યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
આ પણ વાંચો
ઘટનાની જાણ થતાં જ જલાલપોર પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. મૃતક ચંદ્રકાંતભાઈ ટંડેલ તેમના પરિવારના એકમાત્ર આધારસ્તંભ હતા. તેમના પરિવારમાં પત્ની અને બે સંતાનો છે, ત્યારે તેમના અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
