Navsari: બીલીમોરામાં 6 વર્ષની બાળકી ખુલ્લી ગટરમાં ખાબકી ઊંડા પાણીમાં ગરકાવ, રેસ્ક્યુ માટે JCBની મદદ લેવાઈ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 28 Jun 2024 10:49 PM (IST)Updated: Fri, 28 Jun 2024 10:49 PM (IST)
navsari-news-6-years-old-girl-fall-into-open-drain-at-bilimora

Navsari: એકતરફ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને ભારે વરસાદના પગલે વહીવટી તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી રહી છે. એવામાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરામાં તંત્રની બેદરકારીનો ભોગ એક 6 વર્ષની માસૂમ બાળકી બની છે. હકીકતમાં 6 વર્ષની બાળકી ખુલ્લી ગટરમાં ખાબકી હોવાની ઘટના સામે આવી છે. હાલ તો બાળકીને બચાવવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગણદેવી તાલુકાના બીલીમોરાના વખારિયા રોડ પર આવે જીવનજ્યોત એપાર્ટમેન્ટમાં રહતા શેખ પરિવારની 6 વર્ષની ઘર નજીક રમી રહી હતી. આ દરમિયાન બપોરે અઢી વાગ્યાની આસપાસ અચાનક શાહીન લાપતા થઈ ગઈ હતી. આથી પરિવારજનોએ બાળકીની શોધખોળ હાથ ધરી હતી. જો કે શાહીનની કોઈ ભાળ ના મળતા CCTV ચકાસવામાં આવ્યા હતા. જેમાં બાળકી ઘર નજીક ખુલ્લી ગટરમાં પડ્યા બાદ ઊંડા પાણીમાં ગરકાવ થતી જોવા મળી હતી.

બીજી તરફ આ બનાવની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં બાળકીને બચાવવા માટે પ્રયાસ હાથ ધર્યા હતા. હાલ તો બે JCBની મદદથી ગટરને ખોદવામાં આવી રહી છે. આટલું જ નહીં, આ ગટરની લાઈન આગળ જતાં અંબિકા નદીમાં નીકળતી હોવાથી એક ટીમે નદીના પટમાં પણ તપાસ હાથ ધરી છે.

જણાવી દઈએ કે, નવસારીમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યાં છે. આજે પણ નવસારી જિલ્લાના 6 તાલુકામાં વરસાદ વરસ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ગણદેવી તાલુકાના બીલીમોરા તાલુકામાં પડી રહેલા અવિરત વરસાદના ગલે નદી-નાળા છલકાઈ ગયા છે.