Navsari News: નવસારી મહાનગરપાલિકામાં કર્મચારીઓ આજે હડતાળ પર ઉતર્યા છે, લાંબા સમયથી કામ કરતા કર્મચારીઓને કાયમી કરવાની તેમજ પગાર વધારાની માંગ સાથે કર્મચારીઓએ હડતાળ ઉતારીને કામગીરીથી અળગા રહ્યા છે. આ હડતાળમાં વોટર વર્કસ, માઈનોર, સેનેટરી, દબાણ, ફાયર સહિતના તમામ વિભાગોના કર્મચારીઓનો સમાવેશ થાય છે.
મનપાના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા
મનપાના કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી પોતાની માંગને લઈને રજૂઆતો કરી રહ્યા છે. પરંતુ કોઈ માગ પૂરી ન થતાં કર્મચારીઓએ હડતાળ પાડી છે. કર્મચારીઓની માંગ છે કે, વર્ષોથી કામ કરતા કર્મચારીઓને કાયમી કરવામાં આવે તેમજ પગાર વધારો કરવામાં આવે. કર્મચારીઓએ જણાવ્યું કે, કર્મચારીઓની માંગને લઈને કમિશનર, કલેક્ટર અને વિભાગના વડાઓને રજૂઆત કરી છે. છતાં માંગણીઓ પૂરી થઈ નથી.
કામગીરી ઠપ્પ થતાં નાગરિકો હેરાન
જ્યારે બીજી બાજુ નવસારી મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના કર્મચારીઓ હડતાળ પર ઉતરતા અનેક કામો ઠપ્પ થઈ ગયા હતા. જેથી ઘણી મુશ્કેલીઓ ઉભી થઈ હતી. વોટર વર્ક્સ વિભાગના અંદાજે 70 કર્મચારીઓ અને શહેરમાં 300થી વધારે કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતાં નાગરિકો ભારે હેરાન થયા હતા.
શું છે કર્મચારીઓની માંગણી
કર્મચારી દિપકભાઈ પાટીલે જણાવ્યું હતું કે, છેલ્લા 15 વર્ષથી વધુ સમયથી નોકરી કરતા હોય તેઓને કાયમી કરો અને પગાર વધારો કરો. અમે આટલા વર્ષથી નોકરી કરવા છતાં અમારો પગાર વધારો થતો નથી, આજે એના માટે જ અમે ભેગા થઈને હડતાળ પાડી છે, અમે આજે કમિશ્નર, કલેકટર અને ડે.કલેકટર તેમજ મેયર અને કારોબારી સભ્ય અને ખાતાના વડાઓને રજૂઆત કરી છે તેમ છતાં અમારી માંગ પૂર્ણ થઇ નથી. હવે અમારી પાસે હડતાળ જ છેલ્લો રસ્તો હતો.
