નવસારી: ગેરકાયદે ઝીંગા તળાવો વિરુદ્ધ ભાટ ગામના લોકોએ માંડ્યો મોરચો; ઘરોમાં પાણી ભરાતા કલેક્ટરને આવેદન આપી ઉગ્ર આંદોલનની ચીમકી

નવસારીના ભાટ ગામમાં ગેરકાયદે ઝીંગા તળાવોના કારણે વરસાદી પાણીનો નિકાલ અટકતા ઘરોમાં પાણી ભરાયા. ગ્રામજનોએ કલેક્ટરને આવેદન આપી તળાવો હટાવવાની માંગ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી આપી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 17 Sep 2026 03:15 PM (IST)Updated: Thu, 17 Sep 2026 03:15 PM (IST)
navsari-illegal-shrimp-ponds-bhat-village-rainwater-flooding-collector-application

Navsari News: નવસારી જિલ્લામાં આવેલા ભાટ ગામે ગેરકાયદેસર રીતે ચાલી રહેલા ઝીંગા તળાવોને લીધે વરસાદી પાણીનો નિકાલ સંદતર બંધ થઈ જવા પામ્યો છે. જેને પગલે ગામમાં વરસાદી પાણી ભરાઈ જતાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ગામ પાણીમાં ગરકાવ થઈ જતાં ગ્રામજનોને આર્થિક નુકસાનીનો સામનો કરવો પડ્યો છે.

આ સમસ્યાના કાયમી નિવારણ લાવવાના હેતુથી મોટી સંખ્યામાં ભાટ ગામના ગ્રામજનો નવસારી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

ગામના લોકોએ કલેક્ટરને આવેદન આપ્યું

ભાટ ગામના અસરગ્રસ્ત ગ્રામજનોએ જણાવેલી માહિતી પ્રમાણે, ગામમાં ગેરકાયદેસર ઝીંગા તળાવના દબાણના લીધે વરસાદી પાણીનો પ્રવાહ પૂરી રીતે બાધિત થઈ ગયો હતો. જેને પગલે વરસાદી પાણી ગામની અંદર આવવા માંડ્યું હતું. લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાથી લોકોની ઘર વખરી અને ભોજન બનાવવાની રાશન સામગ્રી વરસાદના પાણીમાં તણાઈ જતાં ઘણા પરિવારોને રાત્રે ભૂખ્યા પેટે સૂવાનો વારો આવ્યો છે.

ઝીંગા તળાવોના લીધે પાણીનો પ્રવાહ રોકાયો

ગ્રામજનો વતી પૂર્વ સરપંચના જણાવ્યા પ્રમાણે, ભાટ ખાતે ધમધમતા ગેરકાયદેસર ઝીંગા તળાવોને લીધે વરસાદી પાણીનો પ્રવાહ રોકાઈ ગયો. જેને લીધે પાણી લોકોના ઘરોમાં ભરાઈ ગયા હતા. આથી લોકોને ઘણું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે.

ગ્રામજનોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી

સરકાર સામે અમારી સ્પષ્ટ માંગણી છે કે, તાકીદે ગેરકાયદેસર રીતે ચાલી રહેલા ઝીંગા તળાવોને હટાવી દેવામાં આવે અન્યથા ગામના લોકો દ્વારા આંદોલન કરવામાં આવશે, તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરીને ગામના લોકોએ જિલ્લા તંત્રને કાર્યવાહી કરવા માટે અપીલ કરી છે.