પ્રયાગરાજમાં મહાકુંભના મેળેમાં ગયેલા નવસારી જિલ્લાના યુવકનું મોત થયું છે. યુવકને અચાનક ચક્કર આવ્યા બાદ ઢળી પડ્યો હતો અને હોસ્પિટલ લઈ જવાતા મૃત જાહેર કરાયો હતો.
બનાવની મળતી માહિતી મુજબ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના યુવાનો પોતાના મિત્રમંડળ સાથે તારીખ 8 ફેબ્રુઆરી 2025ના રોજ પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમેળામાં શાહીસ્નાન માટે ગયા હતા. આ ગ્રુપમાં વાંસદાના રાણીફળિયામાં રહેતો 35 વર્ષનો યુવાન વિવેકભાઈ રમેશભાઈ પટેલ પણ ગયો હતો. તે કુંભમેળામાં પવિત્ર સ્નાન કરવા માટે ગયો હતો. તે તા. 10 ફેબ્રુઆરીના રોજ નાસ્તો કરીને સ્નાન કરવા માટે જઈ રહ્યો હતો ત્યારે પવિત્ર કુંડના ઘાટથી અંદાજીત 1 કિલોમીટર દૂર રિક્ષામાંથી ઉતરતી વેળાએ અચાનક ચક્કર આવતા વિવેકભાઈ પડી ગયો હતો. ત્યારબાદ તેને ત્યાં જ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
વિવેકભાઈના પિતાનું અવસાન ઘણા સમય પહેલા થઈ ગયું હતું. તેમના પરિવારમાં માતા અને બહેન જ છે. દીકરાના અવસાનથી માતા ઉપર દુ:ખનો પહાડ તૂટી પડયો છે. કુંભમેળામાં લોકોનો ઘસારો હોવાથી પ્રયાગરાજથી વાંસદા સુધી વિવેકભાઈના મૃતદેહને લાવવા માટે વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલનો સંપર્ક કરાતા તેમના પયત્નોથી પ્રયાગરાજના કલેક્ટર અને ડી.એસ.પી. જોડે સંકલન કરી યુવકના મૃતદેહને વાંસદા લાવવા માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી આપી હતી. તેમણે પણ દુ:ખ પણ વ્યક્ત કર્યું હતું.
