Chikhli: લગ્ન પ્રસંગમાં લોકો લખલૂંટ ખર્ચ કરતા હોય છે અને અલગ અલગ રીતે જાન લઈને જતા હોય છે ત્યારે ચીખલી તાલુકાના કલીયારી ગામે અનોખી રીતે જાન લઇ જવામાં આવી હતી. અહી જાનમાં બગી કે મોંઘીદાટ ગાડીઓ નહિ પરંતુ વરરાજા જેસીબીમાં સવાર થઈને જાન લઈને પરણવા પહોચ્યો હતો.
લોકો પોતાના લગ્ન પ્રસંગને અનોખા અને યાદગાર બનાવવા માટે કંઇક નવું કરતા હોય છે, પરંતુ સામાન્ય રીતે પરણવા જતી વેળાએ લોકો બગી, ઘોડી કે મોંઘીદાટ કાર લઈને જતા હોય છે, પરંતુ ચીખલી તાલુકાના કલીયારી ગામે વરરાજો જેસીબી લઈને પરણવા પહોચ્યો હતો અને તેની આ અનોખી જાન જોઇને સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કલિયારી ગામના ધોડિયા પટેલ સમાજના કેયૂર પટેલ નામના વરરાજાએ પોતાની જાન જેસીબીમાં લઇ ગયો હતો. જેસીબીની ઉપર તેણે મંડપ પણ બનાવ્યો હતો અને આ જાન જોઈ સૌ કોઈમાં કુતુહુલ સર્જાયું હતું. અહીં ડીજેના તાલે વરઘોડો જેસીબીમાં નીકળ્યો હતો.
સામાન્ય રીતે લગ્નની જાનમાં કાર, ઘોડા કે વિકટોરિયા ગાડી જોડવામાં આવતાં હોય છે, પણ આ વરરાજાએ તો જાનમાં જેસીબી જોડ્યું અને પોતે પણ એમાં જ સવાર થયો હતો. કલિયારી ગામના વરરાજા JCBમાં સવાર થઈને પરણવા નીકળતાં રસ્તામાં જાનૈયાઓ-રાહદારીઓ વરરાજા અને તેના વાહનને જોતા રહી ગયા હતા. જ્યારે વરરાજા લગ્નમંડપે પહોંચ્યા ત્યારે દુલ્હનપક્ષના લોકો પણ વરરાજા અને જેસીબીને જોઈ આશ્ચર્યમાં મુકાયા હતા.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ગાડાથી માંડી હેલિકોપ્ટરમાં સવાર થઈ વરરાજા પરણવા પહોંચ્યા હોવાના વીડિયો સામે આવતા રહ્યા છે. એમાં હવે જેસીબીનો પણ ઉમેરો થયો છે.
