સરદાર સરોવર નર્મદા ડેમમાં જળસપાટી 135.75 મીટરે પહોંચી: ઉપરવાસમાંથી 58,525 ક્યુસેક પાણીની મબલખ આવક

સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 58,525 ક્યુસેક પાણીની આવક થતાં જળસપાટી 135.75 મીટરે પહોંચી છે. 24 કલાકમાં 12 સેમીનો વધારો નોંધાયો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 06 Sep 2026 12:34 PM (IST)Updated: Sun, 06 Sep 2026 12:34 PM (IST)
sardar-sarovar-narmada-dam-water-level-135-75-meter-58525-cusecs-water-inflow

Narmada Dam Water Level: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના જળભંડારમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારોમાં સાર્વત્રિક અને સારો વરસાદ નોંધાતા નર્મદા ડેમમાં પાણીની આવક મોટા પ્રમાણમાં થઈ રહી છે. તાજા આંકડાઓ પ્રમાણે, ડેમમાં ઉપરવાસમાંથી 58,525 ક્યુસેક પાણી ઠલવાઈ રહ્યું છે, જેના કારણે ડેમની સપાટી વધીને 135.75 મીટર પર પહોંચી ગઈ છે. પાણીની સતત આવકને પગલે જળસપાટીમાં માત્ર 24 કલાકની અંદર જ 12 સેન્ટીમીટરનો નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે.

પાણીની આવકમાં વધારો થતાં તંત્ર એલર્ટ

ઉલ્લેખનીય છે કે, સરદાર સરોવર નર્મદા ડેમની મહત્તમ નિર્ધારિત જળસપાટી 138.68 મીટર છે. આ સ્થિતિ જોતાં ડેમ તેની પૂર્ણ ક્ષમતાથી હવે ખૂબ જ નજીક છે. જો આગામી દિવસોમાં ઉપરવાસમાંથી આ પ્રકારે પાણીની આવક યથાવત રહેશે, તો ડેમ તેની મહત્તમ સપાટીને સ્પર્શી જાય તેવી પૂરી સંભાવના છે, જેને લઈને તંત્ર પણ સંપૂર્ણ એલર્ટ મોડ પર છે અને સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

ગુજરાતમાં પીવાના પાણી સમસ્યાનો અંત

વર્તમાન સમયમાં નર્મદા ડેમની અંદર 7,920.73 મિલિયન ક્યુબિક મીટર જેટલો વિશાળ જીવંત પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો છે. મબલખ પ્રમાણમાં ઉપલબ્ધ આ જળરાશિના કારણે આગામી સમય માટે ગુજરાતમાં પીવાના પાણી તેમજ સિંચાઈની જરૂરિયાતોને લઈને ઊભું થઈ શકનારું સંકટ સંપૂર્ણપણે ટળી ગયું છે. ખેડૂતો અને નાગરિકોમાં આ જળવધારાને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.