ગુજરાતમાં જામ્યો સિતારાઓનો મેળાવડો! રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એકતાનગર પહોંચ્યા, આવતીકાલે યોજાશે ભવ્ય રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નર્મદા જિલ્લાના એકતાનગર આવી પહોંચ્યા છે. તેઓ 22 સપ્ટેમ્બર 2026ના રોજ 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 21 Sep 2026 11:35 PM (IST)Updated: Mon, 21 Sep 2026 11:35 PM (IST)
president-murmu-arrives-in-ekta-nagar-for-national-film-awards

President Murmu in Ekta Nagar: દેશની શાન સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની નગરી એટલે કે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આજે ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનું ભવ્ય આગમન થયું છે. રાષ્ટ્રપતિના આ સ્વાગત સમારોહને લઈને સમગ્ર પંથકમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજ્યના અગ્રણી મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત

મહામહિમ રાષ્ટ્રપતિના એકતાનગર આગમન પ્રસંગે માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગુજરાત સરકારના પ્રોટોકોલ મંત્રી પ્રફુલ પાનશેરિયા, ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, SSNNLના MD મુકેશ પુરી, જિલ્લા કલેક્ટર ગંગા સિંઘ અને જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ સહિત રાજ્ય સરકારના અનેક વરિષ્ઠ અધિકારીઓ તથા અગ્રણી મહાનુભાવો દ્વારા તેમનું અત્યંત ઉષ્માભર્યું અને ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહની ભવ્ય તૈયારીઓ

મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આવતીકાલે એટલે કે તા. 22 સપ્ટેમ્બર, 2026ના રોજ એકતાનગર ખાતે આયોજિત થનારા અત્યંત પ્રતિષ્ઠિત 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ખાસ ઉપસ્થિત રહેશે. આ ગૌરવપૂર્ણ અવસરે તેઓ દેશભરમાંથી અલગ-અલગ કેટેગરીમાં વિજેતા બનેલા નામાંકિત ફિલ્મકારો, દિગ્દર્શકો અને કલાકારોને પોતાના હસ્તે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરશે.

દેશભરના દિગ્ગજો અને કલાકારો એકતાનગર તરફ રવાના

ઇતિહાસમાં પ્રથમવાર એકતાનગર ખાતે યોજાઈ રહેલા આ રાષ્ટ્રીય કક્ષાના મહાસમારોહના સાક્ષી બનવા માટે દેશના વિવિધ ક્ષેત્રોના દિગ્ગજ મહાનુભાવો, ફિલ્મ જગતના પ્રતિષ્ઠિત ચહેરાઓ અને આમંત્રિત મહેમાનોનું આગમન પૂરજોશમાં થઈ રહ્યું છે. આ ભવ્ય આયોજનથી ગુજરાતની ગરિમામાં વધુ એક નવો અધ્યાય ઉમેરાઈ રહ્યો છે.