નર્મદામાં સાંસદ-ધારાસભ્ય આમને-સામનેઃ મનસુખ વસાવાના આક્ષેપનો દર્શનાબેન દેશમુખે આપ્યો જવાબ

આ આક્ષેપો સામે ધારાસભ્ય દર્શનાબેને કડક પ્રતિસાદ આપ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, જો મારા પર ભ્રષ્ટાચારના આક્ષેપો થાય છે તો તે સાબિત કરીને બતાવવામાં આવે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 12 Dec 2025 03:25 PM (IST)Updated: Fri, 12 Dec 2025 03:25 PM (IST)
narmada-politics-mla-darshanaben-deshmukh-hits-back-on-mp-mansukhs-remark

Narmada News: નર્મદા જિલ્લામાં ભાજપના આંતરિક મતભેદો ફરી એકવાર જાહેર મંચ પર સામે આવ્યા છે. ભાજપના વરિષ્ઠ સાંસદ મનસુખ વસાવા અને નાંદોદની ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ વચ્ચેનો વિવાદ ચરમ સીમાએ પહોંચ્યો છે. 7 ડિસેમ્બરના રોજ સાંસદ મનસુખ વસાવાએ એક નનામાં પત્રને આધાર બનાવી પ્રેસ કોન્ફરન્સ કરી હતી. એ દરમિયાન તેમણે આડકતરી રીતે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ સામે ભ્રષ્ટાચારમાં સંડોવણીના આક્ષેપો કર્યા હોવાનું જણાવ્યું હતું.

આ આક્ષેપો સામે ધારાસભ્ય દર્શનાબેને કડક પ્રતિસાદ આપ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, જો મારા પર ભ્રષ્ટાચારના આક્ષેપો થાય છે તો તે સાબિત કરીને બતાવવામાં આવે. નહીં તો હું મનસુખ વસાવા સામે માનહાનિનો દાવો કરીશ. જરૂરી બનશે તો તેઓ કોર્ટનો માર્ગ પણ અપનાવવા તૈયાર છે.

તેમણે વધુમાં કહ્યું કે, મનસુખ વસાવા મને ધારાસભ્ય તરીકે સ્વીકારતા જ નથી. હું જયારે ચૂંટાઈ આવી ત્યારથી જ તેઓ મારા પર અલગ–અલગ આક્ષેપો કરતા રહ્યા છે. હું પણ ભાજપની જ દીકરી છું. સિનિયર સાંસદ તરીકે મનસુખ વસાવાએ મારા વિષે આવા વાણીવિલાસ કરવો યોગ્ય નથી. મારા પાસેય આવા નનામાં પત્રો આવે છે, પરંતુ અમે તેને કચરાપેટીમાં ફેંકી દઈએ છીએ, તેની કોઈ ચર્ચા કરતાં નથી.

દર્શનાબેને જણાવ્યું કે તેમણે મનસુખ વસાવા બાબતે પાર્ટીના પ્રદેશ નેતૃત્વ સુધી રજુઆત કરી છે. સાથે જ તેમણે ઉમેર્યું કે, મનસુખ વસાવાને મારી સામે કોઈ પ્રશ્ન હોય તો યોગ્ય ફોરમમાં ચર્ચા કરવી જોઈએ. હવે લાંબા સમયથી મૌન હતી, પરંતુ તેમના સતત આક્ષેપોને કારણે આજે મૌન તોડવું પડ્યું છે. જો હવે તેઓ કંઈ બોલશે, તો જવાબ આપવો પડશે. નર્મદા જિલ્લાના રાજકીય પરિસ્થિતિમાં આ તીખી ટકરાવથી આગામી દિવસોમાં રાજકારણમાં વધુ ગરમાવો જોવા મળી શકે છે.

ધારાસભ્યને નારાજગી હોય તો પક્ષ કે સરકારનું ધ્યાન દોરવું જોઇએઃ મનસુખ વસાવા

બીજી તરફ મનસુખ વસાવાએ આજે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને જણાવ્યું છેકે, તારીખ 7 ડિસેમ્બર, રવિવારના રોજ પત્રકારોને જે માહિતી આપી હતી તેમાં નર્મદા જિલ્લા સહિત ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં વિવિધ યોજનાઓ તથા ઉદ્યોગોમાં આમ આદમી પાર્ટીના આગેવાનો તપાસ માંગી મુલાકાત લે છે અને અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો તથા ઉદ્યોગપતિઓને તતડાવીને-દબાવીને તોડ કરે છે. કેવડીયા વિસ્તારમાં પણ કેટલીક આકસ્મીક ઘટનાઓ ઘટી છે તથા કેટલાક પ્રોજેક્ટના બાંધકામ ચાલે છે ત્યાં પદાધિકારીઓ, જમીન દલાલો અને બિલ્ડરો સાથે મળીને લાખો રૂપિયાના કૌભાંડ કરે છે તે બાબતે મારા સરનામે એક પત્ર આવેલ હતો.

તે પત્રમાં લખેલી કેટલીક બાબતોની માહિતી પત્રકારોએ મને પૂછતા જે પદાધિકારીઓના પત્રમાં નામ હતા તે મેં પત્રકારોને જણાવ્યા હતા. ખરેખર આપણા જિલ્લામાં તથા આસપાસના જિલ્લાઓમાં આવી ઘટનાઓમાં જેઓની સંડોવણી હોય છે તેઓને ખુલ્લા પાડવાની મારી ફરજ છે. આ બાબતને લઈને નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ ધરણાં પર બેસવાના છે તેવી માહિતી મને મળી છે. ધારાસભ્યના આ ધરણાંના કાર્યક્રમથી ભ્રષ્ટાચારીઓને તથા પ્રજાને ઉશ્કેરીને તોડપાણી કરનારાઓને પ્રોત્સાહન મળશે. ધારાસભ્યને નારાજગી હોય તો પક્ષમાં કે સરકારમાં યોગ્ય જગ્યાએ ધ્યાન દોરવું જોઈએ, ધરણાં પર બેસવાનો કાર્યક્રમ યોગ્ય નથી.