Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીન પર ખેતીના અધિકારને લઈને ચાલી રહેલો લાંબા સમયનો વિવાદ ફરી એકવાર ઉગ્ર બન્યો છે. સાગબારાના ખોપી ગામે ખેતી કરવા પહોંચેલા આદિવાસી ખેડૂતોને વન વિભાગના કર્મચારીઓએ રોકતા બંને પક્ષો વચ્ચે તીખી બોલાચાલી અને ઘર્ષણ થવાના અહેવાલ સામે આવ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, ઘટનાનું રેકોર્ડિંગ કરનાર વ્યક્તિને વન કર્મચારીઓ દ્વારા ધમકી પણ આપવામાં આવી હતી.
ખેડૂતોની માંગણી શું છે?
અગાઉ ઓગસ્ટ માસમાં 25 દિવસ ચાલેલા લાંબા આંદોલન અને ઉપવાસ બાદ સરકાર દ્વારા પેન્ડિંગ દાવા અરજીઓ અંગે 90 દિવસમાં સનદ આપવાની ખાતરી આપવામાં આવી હતી. ખેડૂતોની માગ છે કે, જમીનની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી તેમને પરંપરાગત રીતે ખેતી કરવા દેવામાં આવે. જોકે, તાજેતરમાં ખોપી અને અગાઉ નાલ ગામે ખેડાણ માટે ગયેલા ખેડૂતોને અટકાવવામાં આવતા સ્થાનિક આદિવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સરકારના હસ્તક્ષેપની માંગણી
આ સમગ્ર મામલે આદિવાસી આગેવાન લીલા વસાવા સહિતના ખેડૂતોએ તાજેતરમાં જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરીને વન વિભાગ દ્વારા કરવામાં આવતી રોક દૂર કરવા અને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા માગ કરી છે. ખેડૂતોએ ચેતવણી આપી છે કે, જો આ વિવાદનો કાયમી અને સંતોષકારક ઉકેલ નહીં લાવવામાં આવે તો તેઓ ફરીથી આંદોલનનો માર્ગ અપનાવશે.
ખેડૂતોએ હાઈકોર્ટમાં કરી અરજી
આ જમીન વિવાદ માત્ર ખેડાણ પૂરતો સીમિત ન રહેતા હવે કાયદાકીય લડાઈમાં ફેરવાયો છે. જંગલ જમીન પરના દાવા અને વન અધિકાર કાયદા હેઠળના હક અંગે આદિવાસી ખેડૂતો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી પણ કરવામાં આવી છે, જેમાં જમીન પરથી બેદખલી સામે રક્ષણ અને હકની માગ કરવામાં આવી છે.
વન વિભાગ દ્વારા સત્તાવાર સ્પષ્ટીકરણ બાદ સ્થિતિ વધુ સ્પષ્ટ થશે, પરંતુ હાલના તબક્કે સરકારી ખાતરી અને વન વિભાગની કામગીરી વચ્ચે ઊભા થયેલા અવિશ્વાસને દૂર કરવા તથા કાયદો-વ્યવસ્થા જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટતા અને સંવાદની તાતી જરૂરિયાત ઊભી થઈ છે.
