Narmada: સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, 21 દેશોના 79 પતંગબાજોની અનોખી કલાથી આકાશ રંગાયું

ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોમાંથી 34 પતંગબાજોએ પણ ભાગ લઈને મહોત્સવને વધુ વૈવિધ્યસભર બનાવ્યો હતો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 11 Jan 2026 11:50 PM (IST)Updated: Sun, 11 Jan 2026 11:50 PM (IST)
narmada-news-international-kite-festival-at-statue-of-unity
HIGHLIGHTS
  • ડેમ વ્યૂ પોઈન્ટ ખાતે આયોજિત પતંગ મહોત્સવમાં નાંદોદના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા

Narmada: એકતાનગર સ્થિત વિશ્વવિખ્યાત સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવનું ઉદ્ઘાટન જળસંપત્તિ અને પાણી પુરવઠાના રાજ્યકક્ષા મંત્રી તેમજ નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેશ-વિદેશના પતંગબાજો, પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી.

આ મહોત્સવ જિલ્લા વહીવટીતંત્ર, ગુજરાત પ્રવાસન નિગમ અને સ્ટેચ્યૂ ઑફ યુનિટી પ્રશાસનની સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. મહોત્સવમાં વિશ્વના 21 દેશોમાંથી આવેલા 45 વિદેશી પતંગબાજોએ પોતાની અનોખી કલાનો અદભૂત નમૂનો રજૂ કર્યો હતો. આ સાથે ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોમાંથી 34 પતંગબાજોએ પણ ભાગ લઈને મહોત્સવને વધુ વૈવિધ્યસભર બનાવ્યો હતો. આ રીતે કુલ 79 પતંગબાજોએ આકાશમાં રંગબેરંગી પતંગો ઉડાવી સૌનું મન મોહી લીધું હતું.

ડેમ વ્યૂ પોઇન્ટ-1 ખાતે આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનો દ્વારા પતંગબાજોને ઉત્સાહિત કરી આ પ્રકારના સાંસ્કૃતિક અને પ્રવાસનમુખી કાર્યક્રમો ગુજરાતની વૈશ્વિક ઓળખને વધુ મજબૂત બનાવે છે, તેમ જણાવ્યું હતું.

આ મહોત્સવ દરમિયાન આકાશમાં ઉડતા વિશાળ અને કલાત્મક પતંગોએ સમગ્ર વાતાવરણને ઉત્સવમય બનાવી દીધું હતું. વિવિધ આકાર, રંગ અને થીમ ધરાવતા પતંગો જોઈને પ્રવાસીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્ટેચ્યૂ ઑફ યુનિટી જેવા વિશ્વસ્તરીય પ્રવાસન સ્થળે યોજાયેલ આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ગુજરાતના પ્રવાસન ક્ષેત્ર માટે એક વધુ ગૌરવપૂર્ણ સિદ્ધિ બની રહ્યો છે.

naidunia_image