Devmogra Shri Yahamogi Mataji Temple: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલ આદિવાસી સમાજની આસ્થા અને શ્રદ્ધાના પ્રતિક સમાન શ્રી યાહામોગી માતાજી મંદિર, દેવમોગરા ખાતે ધાર્મિક પ્રવાસનને વેગ આપવા માટે ગુજરાત સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
ફેઝ-2 વિકાસ કાર્ય માટે 13.02 કરોડની મંજૂરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આ પવિત્ર ધામના તબક્કાવાર વિકાસની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કડીમાં હવે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મંદિરના ફેઝ-2 ના વિકાસ કાર્ય માટે રૂ. 13.02 કરોડના માતબર ખર્ચના પ્રોજેક્ટને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી દેવમોગરા ખાતે આવતા લાખો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે સુવિધાઓમાં મોટો વધારો થશે.
ફેઝ-2 પ્રોજેક્ટ હેઠળ કયા મહત્વના કાર્ય થશે?
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મંજૂર કરેલ રૂ. 13.02 કરોડના આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓની આસ્થા અને સુવિધાને ધ્યાનમાં રાખીને વિવિધ કાર્યો કરવામાં આવશે:
મંદિરના ગર્ભગૃહનું રિનોવેશન: શ્રી યાહામોગી માતાજી મંદિરના પવિત્ર ગર્ભગૃહના રિનોવેશનની ભવ્ય કામગીરી હાથ ધરાશે.
ટ્રસ્ટની જગ્યામાં ધર્મશાળાનું નિર્માણ: બહારથી આવતા શ્રદ્ધાળુઓને રહેવા માટે મંદિર ટ્રસ્ટની જગ્યામાં આધુનિક ધર્મશાળા બનાવવામાં આવશે.
શૌચાલય બ્લોક: સ્વચ્છતા જાળવવા માટે વધુ બે નવા ટોઈલેટ બ્લોકનું નિર્માણ કરવામાં આવશે.
ફેઝ-1 હેઠળ થયેલા 11.33 કરોડના વિકાસકાર્ય
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ફેઝ-1 અંતર્ગત સરકાર દ્વારા રૂ. 11.33 કરોડના ખર્ચે મોટા પાયે વિકાસ કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે . જેમાં વિશાળ ધર્મશાળા અને સેન્ટ્રલ વિસ્ટા, આકર્ષક પથ્થરના પ્રવેશદ્વાર, આધુનિક શૌચાલય બ્લોક અને સુવિધાયુક્ત પાર્કિંગ વ્યવસ્થા, સુગમ પાથવે અને સ્થાનિક રોજગારી માટે 295 આધુનિક દુકાનોના નિર્માણ જેવી સુવિધાઓ શ્રદ્ધાળુઓ માટે કાર્યરત કરવામાં આવી છે.
પ્રવાસન અને સ્થાનિક રોજગારીને મળશે મોટો વેગ
આ પાયાની સુવિધાના કારણે પ્રવાસીઓ અને યાત્રાળુઓનો અનુભવ અત્યાર સુધી ઘણો સુખદ અને સંતોષકારક રહ્યો છે. દેવમોગરા ખાતે હાથ ધરાઈ રહેલા આ વિકાસ કાર્યોને લીધે માત્ર ધાર્મિક પ્રવાસનને જ નહિ, પરંતુ સમગ્ર આદિવાસી વિસ્તારના સામાજિક-આર્થિક માળખાને પણ મોટો વેગ મળશે.
યાત્રિકો માટે સુવિધાઓ: રહેઠાણ, સ્વચ્છતા અને સમગ્ર મંદિર પરિસરનીસુવિધા સુંદર બનતા ભક્તોને શાંતિપૂર્ણ ભક્તિમય વાતાવરણ મળશે.
રોજગારીનું સર્જન: આ પ્રવાસન ધામનો વિકાસ થવાથી સ્થાનિક આદિવાસી સમાજના લોકો માટે આજીવિકાની નવી તકો ઉભી થશે.
સ્થાનિક અર્થતંત્ર મજબૂત બનશે: પ્રવાસીઓનો ઘસારો વધતા સ્થાનિક વેપાર-ધંધા અને આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે.
