Bharat Parv 2026 Ekta Nagar: સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાન્નિધ્યમાં દેશની સાંસ્કૃતિક વિવિધતા અને એકતાનો મહાકુંભ શરૂ થઈ ચૂક્યો છે. 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ના સંકલ્પ અને 'શક્તિ ઓફ ભારત'ની થીમ પર આધારિત ‘ભારત પર્વ-2026’નો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે.
કલ્ચર થી કોમર્સનો સંકલ્પ અને આકર્ષક ફૂલોની રંગોળી
શુભારંભ પ્રસંગે વડાપ્રધાનશ્રીએ ‘કલ્ચર થી કોમર્સ’ના વિચારને સાકાર કરતા દેશના વિવિધ રાજ્યોના વિશિષ્ટ પેવેલિયનની મુલાકાત લીધી હતી. તેમણે પ્રદર્શિત સાંસ્કૃતિક વિરાસત અને હસ્તકલાના નમૂનાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે તાજા ફૂલોથી તૈયાર કરાયેલી ‘BHARAT PARV 2026’ની મનોહર રંગોળી મુલાકાતીઓ અને મહાનુભાવો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
કારીગરો સાથે સીધો સંવાદ અને ‘વોકલ ફોર લોકલ’ને વેગ
મુલાકાત દરમિયાન PM મોદીએ પરંપરાગત હસ્તકલા અને હાથશાળ (હેન્ડલૂમ) ક્ષેત્રે જોડાયેલા દેશભરના સ્થાનિક કારીગરો અને કલાકારો સાથે પ્રત્યક્ષ સંવાદ કર્યો હતો. તેમણે કારીગરોના કલા-કૌશલ્ય અને ઉત્પાદનો વિશે ઝીણવટપૂર્વક માહિતી મેળવીને તેમના ઉત્સાહમાં વધારો કર્યો હતો. આ મહોત્સવ 'બ્રાન્ડ ઈન્ડિયા'ને વૈશ્વિક સ્તરે મજબૂત કરવા સાથે સ્વદેશી ઉત્પાદનો અને ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને વાસ્તવિકતામાં બદલવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
15 દિવસ સુધી 5000થી વધુ કલાકારોની સાંસ્કૃતિક પ્રસ્તુતિ
તા. 1 થી 15 નવેમ્બર 2026 દરમિયાન યોજાનારા આ 15 દિવસીય મહોત્સવમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સંસ્કૃતિ એક જ મંચ પર જોવા મળશે. આ સમયગાળા દરમિયાન આશરે 5,000 જેટલા કલાકારો લોકનૃત્ય, પરંપરાગત સંગીત અને વિવિધ કલાઓની ભવ્ય રજૂઆત કરશે. આ ઉપરાંત ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને મેઘાલય સહિતના રાજ્યોની પ્રસિદ્ધ વાનગીઓ, હેન્ડલૂમ અને હસ્તકલાના સ્ટોલ્સ પ્રવાસીઓને આકર્ષિત કરશે.
દિલ્હીના ‘ભારત પર્વ’થી કેવી રીતે અલગ છે આ ઉત્સવ?
નોંધનીય છે કે, એકતાનગર ખાતે યોજાયેલો આ કાર્યક્રમ દર વર્ષે જાન્યુઆરીમાં દિલ્હીના લાલ કિલ્લા ખાતે કેન્દ્રીય પ્રવાસન મંત્રાલય દ્વારા આયોજિત થતા ‘ભારત પર્વ’થી અલગ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જાહેરાત મુજબ, રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ (31 ઓક્ટોબર) નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રજાસત્તાક દિનની પરેડની જેમ દર વર્ષે આ વાર્ષિક ‘ભારત પર્વ’નું આયોજન કરવામાં આવશે.
