વડતાલ ધામમાં ભક્તિભાવપૂર્વક ઉજવાઈ જળ ઝીલણી એકાદશી, ગોમતીજીમાં હરિકૃષ્ણ મહારાજ અને ગણપતિ દાદાનો નૌકા વિહાર

વડતાલ ધામમાં ભક્તિભાવપૂર્વક ઉજવાઈ જળઝીલણી એકાદશી, ગોમતીજીમાં હરિકૃષ્ણ મહારાજ અને ગણપતિ દાદાનો નૌકા વિહાર

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 22 Sep 2026 09:04 PM (IST)Updated: Tue, 22 Sep 2026 09:04 PM (IST)
vadtal-dham-celebrates-jal-jhilani-ekadashi-with-grand-procession

Vadtal Dham Jal Jhilani Ekadashi 2026: સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા પવિત્ર યાત્રાધામ વડતાલ ધામમાં 22 સપ્ટેમ્બર મંગળવારના રોજ જળઝીલણી એકાદશીના શુભ પર્વે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા મંદિરના પટાંગણમાંથી વાજતે-ગાજતે નીકળી હતી. શણગારાયેલા ટ્રેક્ટરોમાં સાત દિવસથી મોઘેરા મહેમાન બનેલા વિઘ્નહર્તા દેવ ગણપતિ દાદાને બિરાજમાન કરાયા હતા. આ શોભાયાત્રામાં એક ટ્રેક્ટરમાં વડતાલ મંદિરના મુખ્ય કોઠારી દેવ પ્રકાશ સ્વામી, હરિ ઓમ સ્વામી, ભગવત સ્વરૂપ સ્વામી, પ્રેમ સ્વરૂપ સ્વામી, બનારસ મંદિરના કોઠારી તથા અન્ય સંતો જોડાયા હતા. જ્યારે ત્રીજા ટ્રેક્ટરમાં 108 પૂજ્ય મોટા લાલજી સૌરભ પ્રસાદજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા.

ભવ્ય શોભાયાત્રા અને સંતોની ઉપસ્થિતિ

જળઝીલણી મહોત્સવના યજમાન અક્ષર નિવાસી વિનુભાઈ હરજીવનદાસ સોની તથા શ્વેતાબેન પ્રશાંતભાઈ સોની પરિવાર (રહે. વિદ્યાનગર) હસ્તે લોકેશ પ્રસાદ દાસજી સ્વામી (ગુરુ રઘુવીર ચરણદાસજી સ્વામી, વડતાલ ધામ) રહ્યા હતા. આ શોભાયાત્રા વડતાલના રાજમાર્ગો પરથી પસાર થઈને ગોમતી કિનારે પહોંચી હતી, જ્યાં ગોમતી કિનારે તૈયાર કરાયેલા શમીયાણામાં પધારેલા વિઘ્નહર્તા દેવ અને હરિકૃષ્ણ મહારાજનું પૂજન લાલજી મહારાજ તથા મુખ્ય કોઠારી દેવ પ્રકાશ સ્વામી અને સંતોએ કર્યું હતું.

naidunia_image

શાસ્ત્રોક્ત વિધિ અને ગોમતીજીમાં નૌકા વિહાર

ગોમતી કિનારે મંદિરના ભૂદેવ ધીરેન મહારાજે શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરાવ્યું હતું, જેમાં મંદિરના મુખ્ય બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદજી અને સંતો જોડાયા હતા. પૂજન બાદ દેવોની પ્રથમ આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ યજમાન પરિવાર દ્વારા લાલજી મહારાજનું ફૂલહારથી પૂજન કરાયું હતું. સંતોએ હરિકૃષ્ણ મહારાજ તથા ગણપતિ દાદાને ગોમતીજીમાં નૌકા વિહાર કરાવીને આરતી ઉતારી હતી.

સંતોના વિશેષ આશીર્વચન

આ શુભ પ્રસંગે મોટા લાલજી સૌરભ પ્રસાદજી મહારાજે આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે, ધોલેરા ધામ દ્વિ-શતાબ્દી મહોત્સવના ઉપક્રમે નિજ મંદિરમાં અને પાઠશાળામાં પધરાવેલા ગણપતિ દાદાને આજે ભાવભરી વિદાય આપવામાં આવી છે. પરિવર્તની એકાદશીનું અનંત મહાત્મય રહેલું છે. આ પવિત્ર ગોમતીજીમાં સ્વયં ભગવાન સ્વામિનારાયણ તથા નંદ સંતોએ સ્નાન કરેલું છે. તેમણે ગરમી હોવા છતાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને નૌકા વિહારનો લાભ લેનારા તમામ ભક્તો માટે મંગલ કામનાઓ વ્યક્ત કરી હતી

મુખ્ય કોઠારી દેવ પ્રકાશ સ્વામીએ આશીર્વચન આપતા જણાવ્યું હતું કે, વર્ષમાં આવતી 24 એકાદશીઓ પૈકી ત્રણ એકાદશી મુખ્ય ગણાય છે – જેમાં દેવશયની એકાદશી, પ્રબોધિની એકાદશી અને પરિવર્તની એકાદશીનો સમાવેશ થાય છે. આ ત્રણ એકાદશીનું વ્રત-પૂજન કરવાથી તમામ પાપોનો નાશ થાય છે.

ઉત્સવનું આયોજન અને 500 કિલો કાકડીનો પ્રસાદ

આ સમગ્ર મહોત્સવનું આયોજન વડતાલ મંદિરના ચેરમેન ડૉ. સંત વલ્લભદાસજી સ્વામી અને મુખ્ય કોઠારી દેવ પ્રકાશ સ્વામીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર સંચાલન ગુણ સાગર સ્વામીએ સંભાળ્યું હતું. મહોત્સવની પૂર્ણાહુતિ બાદ ઉપસ્થિત હજારો હરિભક્તોને 500 કિલો કાકડીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.