PMNRF: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના નડિયાદના રહેવાસી અતુલ સોલંકીના પત્રનો જવાબ આપ્યો છે. અતુલ સોલંકીએ તેમના પુત્રની ગંભીર સારવાર અને ઓપરેશન માટે 'પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ' (PMNRF) દ્વારા મળેલી આર્થિક સહાય બદલ વડાપ્રધાનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
પુત્રના સફળ ઓપરેશન બાદ પિતાએ વ્યક્ત કરી કૃતજ્ઞતા
નડિયાદના અતુલ સોલંકીએ 24 જુલાઈના રોજ વડાપ્રધાનને પત્ર લખીને મુશ્કેલ સમયમાં તેમના પરિવારને મળેલા આર્થિક સહયોગ બદલ સરકારનો આભાર માન્યો હતો. તેમણે પત્રમાં જણાવ્યું હતું કે, PMNRF હેઠળ મળેલી સમયસરની સહાયને કારણે જ તેમના પુત્રનું ઓપરેશન સફળતાપૂર્વક થઈ શક્યું અને પરિવારને મોટા આર્થિક સંકટમાંથી મુક્તિ મળી.
"માતા-પિતાની ચિંતા હું સમજી શકું છું" — PM મોદી
સોલંકીના પત્રનો પ્રત્યુત્તર આપતાં વડાપ્રધાને PMNRFની મદદથી બાળકનું ઓપરેશન સફળ થયું તે જાણીને ખુશી વ્યક્ત કરી હતી. પરિવારની કૃતજ્ઞતાની સરાહના કરતાં વડાપ્રધાને અત્યંત સંવેદનશીલતાથી લખ્યું કે- પોતાના બાળકોના સ્વાસ્થ્યને લઈને માતા-પિતા કેટલા ચિંતિત હોય છે તે હું ખૂબ સારી રીતે સમજી શકું છું.
કલ્યાણકારી યોજનાઓ પર સરકારની કટિબદ્ધતા
વડાપ્રધાને નોંધ્યું હતું કે PMNRF જેવી પહેલ દ્વારા દેશના અસંખ્ય જરૂરિયાતમંદ પરિવારો સુધી મદદ પહોંચી રહી છે. તેમણે ગરીબ અને વંચિત પરિવારો માટે આરોગ્ય, શિક્ષણ અને આવાસ જેવી મૂળભૂત સુવિધાઓ સુનિશ્ચિત કરવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
જનતાના અનુભવો સેવાની નવી ઉર્જા આપે છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમેર્યું હતું કે સરકાર વિવિધ કલ્યાણકારી યોજનાઓ દ્વારા નાગરિકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાના નિષ્ઠાવાન પ્રયાસો કરી રહી છે. લાભાર્થીઓ દ્વારા શેર કરવામાં આવતા આવા અનુભવો રાષ્ટ્રની સેવામાં અવિરતપણે કાર્યરત રહેવા માટે એક નવી ઊર્જા અને પ્રેરણા પૂરી પાડે છે.
અંતમાં, વડાપ્રધાને આશા વ્યક્ત કરી હતી કે સોલંકી પરિવારની જેમ અન્ય જરૂરિયાતમંદ લોકો પણ સરકારી યોજનાઓનો લાભ લેશે. તેમણે સોલંકી પરિવાર અને બાળકના ઉત્તમ સ્વાસ્થ્ય તથા ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
