Nadiad News: મહેમદાવાદ તાલુકાના રોહિસ્સા ગામમાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં અનોખી ઘટના સર્જાઈ હતી. ગામના ગ્રામજનો તથા વાલીઓએ મળીને શાળાને તાળાબંધી કરી દીધી હતી. મળતી માહિતી મુજબ, શાળામાં કાર્યરત શિક્ષકો વચ્ચે ગઇકાલે આંતરિક વિખવાદ થયો હતો. શિક્ષકો વચ્ચે ચાલતી મતભેદ અને ઝઘડાને કારણે શાળાનું શૈક્ષણિક વાતાવરણ બગડતાં ગામજનોમાં અસંતોષ ફાટી નીકળ્યો હતો.
ગ્રામજનોએ વિરોધ સ્વરૂપે તાળાબંધી કરી
રોહિસ્સાની શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓને બાળકોના શિક્ષણની ચિંતા સતાવી રહી છે. શિક્ષકોના આતંરિક વિખવાદના કારણે બાળકોનું ભણતર જોખમાઈ રહ્યું છે. જેના પગલે વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. ગામના સરપંચ તેમજ આગેવાનો સાથે મોટી સંખ્યામાં વાલીઓ અને બાળકો શાળાના મુખ્ય દરવાજા આગળ ભેગા થયા હતા. શિક્ષકોના આંતરિક વિખવાદ સામે ગ્રામજનો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને નારાજગી સાથે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
શિક્ષકો વચ્ચેના અંદરો અંદરના પ્રશ્નો વિદ્યાર્થીઓના ભણતર પર અસર કરે છે એવી ચિંતા વ્યક્ત કરતાં ગ્રામજનોએ વિરોધ સ્વરૂપે તાળાબંધી કરી હતી. આ પગલાથી આજના દિવસે શાળાનું શિક્ષણ કાર્ય અટકી ગયું હતું. શાળા બહાર વિદ્યાર્થીઓ અને વાલીઓનો જમાવડો થઇ ગયો હતો અને તાત્કાલિક ઉકેલની માગ કરવામાં આવી હતી.
તાત્કાલિક પગલાં નહીં લેવાય તો આંદોલનની ચીમકી
ગામજનોએ જણાવ્યા અનુસાર, શાળા એ બાળકોના ભણતરનું સ્થાન છે. શિક્ષાના ધામમાં શિક્ષકોની જવાબદારી વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ આપવાની છે, વિદ્યાર્થીઓમાં સારા સંસ્કારનું સિંચન કરવાની છે. પરંતુ શિક્ષકો વચ્ચેના સતત ઝઘડા થઇ રહ્યાં છે. જેના કારણે શાળાનું વાતાવરણ અશાંતિપૂર્ણ બની ગયું છે.
ગ્રામજનોએ વધુમાં જણાવ્યું છેકે, આ અંગે તાત્કાલિક કોઇ નિર્ણય લેવવામાં આવવો જોઇએ. જેથી વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે નહીં. જો આ અંગે તાત્કાલિક ઉકેલ લાવવામાં આવશે નહીં તો આગામી સમયમાં વધુ મોટું આંદોલન કરવામાં આવશે.
શિક્ષણ વિભાગની કાર્યવાહીની રાહ
રોહિસ્સાના ગ્રામજનો દ્વારા શાળાને તાળાબંધી કરવામાં આવી તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિસ્તારભરમાં ચર્ચા જોરશોરથી શરૂ થઈ છે. હાલ શિક્ષણ વિભાગની ટીમ ઘટનાની વિગતો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરશે તેવી આશા એકત્ર ગ્રામજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
