Kheda: સિંજીવાડામાં લગ્ન પ્રસંગે ફૂડ પોઈઝનિંગ, હોંશે-હોંશે મીઠાઈ અને આઈસ્ક્રીમ આરોગ્ય બાદ 150થી વધુ જાનૈયાઓની તબિયત લથડી

5 દર્દીઓની હાલત ગંભીર જણાતા તેમને મોટી હોસ્પિટલમાં રિફર કરાયા. હરકતમાં આવેલા આરોગ્ય તંત્રએ ડોર ટૂ ડોર સર્વે હાથ ધર્યું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 14 Feb 2026 06:07 PM (IST)Updated: Sat, 14 Feb 2026 06:07 PM (IST)
mass-food-poisoning-at-wedding-in-kheda-200-fall-ill-after-ice-cream-consumption
HIGHLIGHTS
  • ખાનગી હોસ્પિટલ અને સરકારી આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓનો ધસારો

Kheda: ખેડા જિલ્લાના માતર તાલુકાના સિંજીવાડા ગામમાં ગઇકાલે સાંજે યોજાયેલા એક લગ્ન પ્રસંગ બાદ ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. લગ્નમાં જમણવાર કર્યા પછી 150થી 200 જેટલા લોકો અચાનક અસ્વસ્થ બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. જમ્યા પછી થોડા જ કલાકોમાં મહેમાનો તેમજ ગ્રામજનોને ઉલટી અને ઝાડાની તકલીફ શરૂ થતાં સ્થિતિ કાબૂ બહાર જતી જણાઈ હતી.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ભોજન દરમિયાન પીરસવામાં આવેલી મીઠાઈ અને આઈસ્ક્રીમ લીધા બાદ અનેક લોકોને પેટમાં દુખાવો, ગેસ અને ચક્કર આવવા લાગ્યા હતા. એકસાથે મોટી સંખ્યામાં લોકો બીમાર પડતા ગામના ખાનગી ક્લિનિકો તેમજ સરકારી આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓની ભીડ ઉમટી પડી હતી. સ્થિતિને ધ્યાનમાં લઈ આરોગ્ય તંત્રને તાત્કાલિક દોડધામ કરવી પડી હતી.

આ ઘટનાની જાણ થતા જ વહીવટી તંત્ર સક્રિય બન્યું હતું. માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર સ્થળ પર પહોંચીને અસરગ્રસ્ત દર્દીઓની મુલાકાત લીધી હતી અને સારવારની વ્યવસ્થા અંગે માહિતી મેળવી હતી.

જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ, નાયબ મામલતદાર તેમજ આરોગ્ય વિભાગની ટીમ પણ સિંજીવાડા ગામે પહોંચી હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી ગામમાં જ તાત્કાલિક સારવાર કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો.

આરોગ્ય વિભાગ દ્વારા ટીમો બનાવી ઘરે-ઘરે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેથી કોઈ પણ અસરગ્રસ્ત વ્યક્તિ સારવારથી વંચિત ન રહે. મોટાભાગના દર્દીઓને ગામમાં જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જ્યારે પાંચ જેટલા દર્દીઓની હાલત વધુ નાજુક જણાતા તેમને અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જો કે સારવાર બાદ તેમની તબિયતમાં સુધારો થતા તેમને રજા આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

naidunia_image

આ ઘટનાના ભોગ બનેલા એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે, લગ્નમાં હલવો, પુરી-શાક અને દાળ સહિતનું ભોજન લીધા બાદ ચાર કલાકમાં જ તકલીફ શરૂ થઈ હતી. લગભગ ભોજન કરનાર મોટાભાગના લોકો આ જ પ્રકારની સમસ્યાથી પીડાયા હતા.

જિલ્લા આરોગ્ય અધિકારી વી.એ. ધ્રુવે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં આઈસ્ક્રીમના સેવનથી ફૂડ પોઈઝનિંગ થયું હોવાની શક્યતા છે. તકેદારીના ભાગરૂપે તમામ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ એકત્ર કરી લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે. હાલ આરોગ્ય વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્રના સંયુક્ત પ્રયાસોથી ગામમાં સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.