Kheda Crime News: ખેડા જિલ્લાના વસો તાલુકામાં આવેલા ટુંડેલ ગામે એક યુવકની હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. આ લોહિયાળ ઘટનાની જાણ થતાં જ વસો પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી આગળની કાયદાકીય તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ટુંડેલ ગામના કુવાવાળા એક ફળિયામાં રહેતા 36 વર્ષીય મહેશ ગોહિલ નામના યુવક પર કેટલાક શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. આ ગંભીર બનાવની જાણ થતા જ વસો પોલીસ મથકનો કાફલો ત્વરિત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ કાફલાએ પરિસ્થિતિ પર કાબૂ મેળવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વધુ વિગતો મુજબ, મૃતક મહેશ ગોહિલ અને અન્ય કેટલાક ઈસમો વચ્ચે અગાઉથી અદાવત ચાલી રહી હતી. આ જ બાબતને લઈને બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ અને જોતજોતામાં મામલો ઉગ્ર બન્યો હતો. ઉશ્કેરાયેલા હુમલાખોરોએ આવેશમાં આવીને મહેશ ગોહિલ પર ચપ્પા વડે પાશવી ઘા ઝીંકી દીધા હતા. અચાનક થયેલા આ હુમલાને કારણે લોહીલુહાણ હાલતમાં યુવક જમીન પર ઢળી પડ્યો હતો.
પરિવારજનો અને સ્થાનિકો દ્વારા યુવકને તાત્કાલિક અસરથી સારવાર અને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે મૃતકના પિતા મફતભાઈ ગોહિલે જણાવ્યું કે, મહેશ અને અન્ય લોકો વચ્ચે મારામારી ચાલી રહી હોવાની માહિતી મળતા જ પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. ત્યાં મહેશ લોહીલુહાણ હાલતમાં હતો અને તેના શરીર પર ઊંડા ઘા હતા.
આ સનસનાટીભર્યા બનાવના પગલે લોકોના મોટા ટોળા એકઠા થઈ ગયા અને વાતાવરણ અત્યંત તંગ બની ગયું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને વસો પોલીસે તાત્કાલિક ધોરણે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી જરૂરી ફોરેન્સિક પુરાવા એકત્ર કર્યા છે અને ગુનામાં સામેલ હોવાની શંકાના આધારે કેટલાક શખ્સોને રાઉન્ડ અપ પણ કરી લીધા છે. હાલ પોલીસે ઝડપાયેલા તમામ ઈસમોની કડક પૂછપરછ હાથ ધરી છે.
આ સમગ્ર મામલે વસો પોલીસ મથકે ગુનો નોંધવાની તજવીજ પૂર્ણ કરવામાં આવી છે. પોલીસે હત્યામાં વપરાયેલાહથિયારો કબજે કરવા અને આ બનાવ પાછળના ચોક્કસ કારણો બહાર લાવવા માટે વિવિધ દિશાઓમાં પોલીસ તપાસ લંબાવી છે. ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
