Kheda News: ખેડાના નડિયાદ તાલુકાના મહોળેલ ગામે ગાંધીનગરની અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની ટીમે બે ખાનગી ગોડાઉન પર ઓચિંતો દરોડો પાડ્યો હતો. એન્ફોર્સમેન્ટ ટીમના ઓચિંતા દરોડાથી મહોળેલ ગામમાં અફરાતફરી મચી ગઈ હતી. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને બાતમી મળી હતી કે, મહોળેલ ગામમાં આવેલા ગોડાઉનમાં ગેરરિતી ચાલી રહી છે. જેને આધારે દરોડામાં બિનહિસાબી અનાજનો જથ્થો ઝડપાયો હતો।
મહોળેલ ગામે પુરવઠા વિભાગનો દરોડો
આ પણ વાંચો
મળતી વિગત પ્રમાણે, રાજ્ય સરકારના અન્ન અને પુરવઠા વિભાગને મહોળેલ ગામના ગોડાઉનમાં અનાજમાં ગેરરીતિ ચાલી રહી હોવાની સચોટ બાતમી મળી હતી. જેના આધારે વિભાગની એન્ફોર્સમેન્ટ ટીમે ગામની ચામુંડા ટ્રે઼ડર્સ નામના ખાનગી ગોડાઉનમાં ઓચિંતી તપાસ શરુ કરી હતી. આ તપાસ દરમિયાન ગોડાઉનમાંથી કઠોળ અને અનાજનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે અધિકારીઓએ અનાજના જથ્થાનો હિસાબ માંગ્યો તો ગોડાઉનના સંચાલકો દ્વારા કોઈ સંતોષકારક હિસાબ મળ્યો નહીં.
ગોડાઉનમાંથી લાખોનું અનાજ જપ્ત
આ જ કાર્યવાહીના ભાગરુપે અન્ન અને નાગરિક પુરવઠાની ટીમે રોશની ટ્રેડર્સ નામના બીજા ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. રોશની ટ્રેડર્સમાં અધિકારીઓએ કાર્યવાહી કરી તે દરમિયાન અનાજ ખરીદીના બિલો અને સ્ટોક રજિસ્ટરની બારીકાઈથી ચકાસણી કરી હતી. પરંતુ રજિસ્ટરમાં નોંધાયેલા અનાજના જથ્થા અને ગોડાઉનમાં ઉપલબ્ધ ઘઉના સ્ટોકમાં અનાજની શંકાસ્પદ ઘટ મળી હતી. સ્થળ પર જ કાર્યવાહી કરતાં અધિકારીઓએ ઘઉનો કુલ 19,610 કિગ્રાનો જથ્થો જપ્ત કર્યો હતો.
ગેરકાયદેસર સંગ્રહખોરોમાં ફફડાટ
આ જપ્ત ઘઉની અંદાજિત કિમત રુ.5,88,300 હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ચામુંડા ટ્રેડર્સમાંથી અધિકારીઓની ટીમે કુલ 2925 કિગ્રાનો બિનહિસાબી અનાજ અને કઠોળનો જથ્થો ઝડપી લીધો હતો. આ બિનહિસાબી અનાજની કુલ કિમત 89. 360 આકવામાં આવી છે. અધિકારીઓની ટીમે બંને ગોડાઉનમાં દરોડાથી કુલ રુ 6, 77,660નો શંકાસ્પદ અનાજ જપ્ત કરીને પુરવઠા વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે, આ કાર્યવાહીથી ગેરકાયદેસર રીતે અનાજનો સંગ્રહ કરતાં તત્વોમાં ફફડાટ જોવા મળ્યો છે.
