Kheda: ગુજરાતી અભિનેત્રી મમતા સોનીના નામે વીડિયો વાયરલ, મહેનતાણું માંગતા ધમકી આપી; ભાજપ નેતાએ આરોપ નકાર્યા

મમતા સોનીએ ભાજપ નેતા દીપક ડાભી પર કાર્યક્રમનું મહેનતાણું ના ચૂકવીને જાનથી મારી નાંખવાની ધમકીનો આરોપ લગાવ્યો છે. જ્યારે ડાભીએ આરોપને રાજકીય ષડયંત્ર ગણાવીને તમામ રકમ ચૂકવી હોવાનો દાવો કર્યો છે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 21 Jun 2026 06:35 PM (IST)Updated: Sun, 21 Jun 2026 06:35 PM (IST)
kheda-mamata-soni-accuses-bjp-leader-dipak-dabhi-of-non-payment

Kheda: ગુજરાતી ફિલ્મોની જાણીતી અભિનેત્રી મમતા સોનીએ (Mamata Soni) ખેડા જિલ્લાના કઠલાલ તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ અને મોટી મૂંડેલ ગ્રામ પંચાયતના સરપંચ દીપક ડાભી (Dipak Dabhi) વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ગંભીર આક્ષેપોનો વીડિયો વાયરલ કરતા ચકચાર મચી છે. બીજી તરફ ભાજપ નેતાએ પોતાના પરના આક્ષેપોને રદિયો આપીને તેને વિરોધીઓનું કાવતરું ગણાવ્યું છે.


મહેનતાણું માંગતા ભાજપ નેતાએ વાયદા કર્યાં, જાનથી મારી નાંખવાની ધમકી આપીઃ મમતા સોના

મમતા સોની દ્વારા વાયરલ વીડિયોમાં ભાજપ નેતા પર આક્ષેપ કરવામાં આવ્યું છે કે, ગત ફેબ્રુઆરી મહિનામાં દીપક ડાભી દ્વારા તેમના 3 અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ. જે કાર્યક્રમો સફળતાપૂર્વક પૂર્ણ થવા છતાં મને નક્કી કરવામાં આવેલું મહેનતાણું હજુ સુધી ચૂકવવામાં આવ્યુ નથી.

મારી બાકી રકમ મેળવવા માટે હું સતત ભાજપ નેતાનો સંપર્ક કરી રહી છું, પરંતુ તેઓ માત્ર વાયદા જ કરી રહ્યા છે. આટલું જ નહીં, પૈસાની માંગણી કરવા પર તેમણે મને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

કોઈ પેમેન્ટ બાકી નથી, મારા વિરુદ્ધ રાજકીય ષડયંત્ર રચાયુંઃ ભાજપ નેતા

બીજી તરફ મમતા સોનીનો વીડિયો વાયરલ થયા બાદ ભાજપ નેતાએ પોતાના પરના તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવતા દાવો કર્યો છે કે, તેઓ અભિનેત્રીને ઘણાં વર્ષોથી ઓળખે છે. અગાઉ પણ તેમની સાથે અનેક સફળ કાર્યક્રમો કરી ચૂક્યો છે. અત્યાર સુધી ક્યારેય કોઈ વિવાદ નથી થયો. તેમજ કોઈ પણ કાર્યક્રમનું પેમેન્ટ બાકી નથી. મારી પાસે તમામ ચૂકવણીના પુરાવાઓ છે.

દીપક ડાભીએ રાજકીય ષડયંત્ર ગણાવતા જણાવ્યું કે, તેઓ ભાજપમાં સક્રિય રહીને સતત જનસેવાના કાર્યો કરી રહ્યા છે. તેમની વધતી જતી લોકપ્રિયતા જોઈને કેટલાક રાજકીય વિરોધીઓ અસ્વસ્થ છે. પોતાની રાજકીય છબી ખરડવા અને કારકિર્દીને નુકસાન પહોંચાડવાના હેતુથી જ વિરોધીઓ દ્વારા આ કાવતરું ઘડવામાં આવ્યું હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.

હાલમાં આ મામલે બંને પક્ષો પોતપોતાના દાવાઓ કરી રહ્યા છે. આક્ષેપોની સત્યતા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કે પોલીસ ફરિયાદ થઈ નથી, પરંતુ આ વિવાદ હાલમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. સત્ય તપાસ બાદ જ બહાર આવશે.