Amreli Lion Attack: બાબરકોટમાં બાઈક ચાલક પર હુમલો કરનાર સિંહ મૃત હાલતમાં મળ્યો, હડકવાથી મોત થયાની આશંકા

જાફરાબાદના બાબરકોટમાં એક સિંહે બાઈક ચાલક પર હુમલો કર્યો, જેમાં યુવક ઘાયલ થયો. હુમલો કરનાર બીમાર સિંહ થોડા સમય બાદ મૃત હાલતમાં મળ્યો, જેના મોતનું કારણ હડકવા હોવાની આશંકા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 21 Jun 2026 05:53 PM (IST)Updated: Sun, 21 Jun 2026 05:53 PM (IST)
amreli-lion-attack-babarkot-biker-injured-babies-suspected-in-lion-death

Amreli Lion Attack: જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે એક સિંહે બાઈક ચાલક પર જીવલેણ હુમલો કરતા પંથકમાં ભયનો માહોલ છવાયો છે. જો કે હુમલો કરનાર આ બીમાર સિંહ થોડા સમય બાદ મૃત હાલતમાં મળી આવતા વન વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.

રસ્તા પરથી પસાર થઈ રહેલા બાઇક ચાલક વિશાલ બારૈયા નામના યુવક પર અચાનક એક સિંહે હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવકને ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. સિંહના આતંક અને ખૌફને પગલે વન વિભાગની ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સાવચેતીના ભાગરૂપે આ રસ્તો રાહદારીઓની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરી દીધો હતો.

વન વિભાગની પ્રાથમિક તપાસમાં એવી વિગતો સપાટી પર આવી હતી કે, હુમલો કરનાર સિંહ બીમાર હાલતમાં હતો. આ ઘટનાના થોડા સમય બાદ જ જંગલ વિસ્તારમાંથી આ હુમલાખોર સિંહ મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. વનતંત્ર દ્વારા અંદાજે 5 થી 9 વર્ષની વયના આ સિંહના મૃતદેહનો કબ્જો મેળવી તેને વધુ તપાસ માટે બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે.

સિંહના મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો

સૂત્રોના જણાવ્યા અનુસાર, સિંહને હડકવા અથવા તેવી કોઈ ગંભીર બીમારીની અસર હોવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે, જેના કારણે તે માનસિક સંતુલન ગુમાવીને હુમલાખોર બન્યો હોઈ શકે છે. હાલમાં વનતંત્ર દ્વારા સિંહના મૃતદેહનું પોસ્ટમોર્ટમ (પી.એમ.) કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. પી.એમ.નો રિપોર્ટ આવ્યા બાદ જ સિંહના મોતનું અને તેના આક્રમક વર્તનનું સ્પષ્ટ કારણ જાણી શકાશે. હાલ પંથકમાં આ ઘટનાને લઈને ભારે ચર્ચા જાગી છે.