Rains In Kheda District:ખેડા જિલ્લામાં અસહ્ય ઉકળાટ અને ગરમીના માહોલ વચ્ચે વાતાવરણમાં અચાનક પલ્ટો આવતાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની સક્રિયતાની આગાહી વચ્ચે બપોર પછી નડિયાદ, મહેમદાબાદ, માતર, કપડવંજ, મહુધા અને ઠાસરા સહિત સમગ્ર જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર આગમન કર્યું હતું. લાંબા સમયના વિરામ બાદ શરૂ થયેલા આ વરસાદને કારણે ગરમીથી રાહત મળવાની સાથે સમગ્ર વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે.
બે કલાકના ટૂંક સમયમાં બે ઈંચથી વધુ મુસળધાર વરસાદ
નડિયાદ શહેરમાં માત્ર બે કલાકના ટૂંક સમયમાં બે ઈંચથી વધુ મુસળધાર વરસાદ વરસી પડ્યો હતો. પરિણામે શહેરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય ગરનાળાઓમાં પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને ખોડિયાર, શ્રેયસ, માઇમાતા અને વૈશાલી ગરનાળાં જળમગ્ન બનતાં પૂર્વ અને પશ્ચિમ નડિયાદ વચ્ચેનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. ગરનાળાં બંધ થતાં તમામ વાહનોને ઓવરબ્રિજ તરફ વાળવામાં આવ્યા હતા, જેના કારણે રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
વિઝિબિલિટી અત્યંત ઘટી ગઈ
બીજી તરફ મહેમદાબાદ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ ચાલુ રહ્યો હતો. ખાત્રજથી અમદાવાદ-મહેમદાબાદ હાઈવે પર મુસળધાર વરસાદને કારણે વિઝિબિલિટી અત્યંત ઘટી ગઈ હતી. સામેનું દ્રશ્ય સ્પષ્ટ ન દેખાતાં વાહનચાલકોને અકસ્માતથી બચવા માટે દિવસ દરમિયાન પણ વાહનોની હેડલાઈટ ચાલુ રાખી સાવચેતીપૂર્વક વાહનો હંકારવાની ફરજ પડી હતી.
ધરતીપુત્રો માટે આશીર્વાદરૂપ
આ વરસાદ ખેડા જિલ્લાના ધરતીપુત્રો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. કપડવંજ, મહેમદાબાદ સહિતના પંથકોમાં વરસાદ થતાં જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહેશે. પરિણામે ડાંગર, તમાકુ, કપાસ, મગફળી અને શાકભાજીના સુકાઈ રહેલા પાકને યોગ્ય સમયે નવી સંજીવની મળી છે.
નડિયાદમાં સૌથી વધુ 50 મીમી વરસાદ
જિલ્લામાં નોંધાયેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો નડિયાદમાં સૌથી વધુ 50 મીમી અને વસોમાં 34 મીમી વરસાદ નોંધાયો હતો. આ સિવાય કપડવંજમાં 14 મીમી, ખેડામાં 8 મીમી, માતરમાં 6 મીમી, મહુધામાં 5 મીમી, મહેમદાબાદમાં 4 મીમી, કઠલાલ અને ઠાસરામાં 3-3 મીમી તથા ફાગવેલમાં 2 મીમી વરસાદ નોંધાયો છે.
