ડાકોર મંદિરમાં VIP કલ્ચરનો વિરોધ, ટ્રસ્ટી ગિરીશ દાણીનો ઘેરાવ, રેસ્ટ રૂમ અને કઠેરો કાપવાના નિર્ણય સામે ભક્તોમાં રોષ

ડાકોર રણછોડરાયજી મંદિરમાં VIP કલ્ચર ઊભું કરવાના વિરોધમાં વૈષ્ણવો અને સેવકો રસ્તા પર આવ્યા. કીર્તનિયા જાળીનો કઠેરો કાપવા અને રેસ્ટ રૂમ બનાવવા સામે રોષ વ્યક્ત કરી ટ્રસ્ટી ગિરીશ દાણીનો ઘેરાવ કર્યો. જાણો સમગ્ર વિગત.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 16 Nov 2026 06:41 PM (IST)Updated: Mon, 16 Nov 2026 06:41 PM (IST)
dakor-temple-vip-culture-row-devotees-protest-against-changes

Dakor Mandir News: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રાજાધિરાજ રણછોડરાયજી મંદિર પરિસરમાં શરૂ થયેલા VIP કલ્ચરને લઈને સ્થાનિક વૈષ્ણવો અને સેવક સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. મંદિરમાં ખાસ મહેમાનોની સગવડ માટે વર્ષો જૂની પરંપરાગત વ્યવસ્થામાં ફેરફાર કરવાની હિલચાલ સામે ભક્તો મેદાને ઉતર્યા છે. કીર્તનિયા જાળી પાસેનો કઠેરો હટાવવાની કામગીરી અને મુખ્ય દ્વાર પાસે જ આધુનિક VIP રેસ્ટ રૂમ બનાવવાના નિર્ણયના વિરોધમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા વૈષ્ણવોએ મંદિર ટ્રસ્ટી ગિરીશ દાણીનો ઘેરાવ કરીને ઉગ્ર રજૂઆત કરી હતી.

પરંપરાગત વ્યવસ્થા સાથે ચેડાં થતાં સેવકોમાં નારાજગી

મળતી વિગતો અનુસાર, ડાકોર મંદિરમાં આવતા VIP મહેમાનોને સરળતાથી દર્શન થઈ શકે તે માટે મંદિરની અંદર આવેલી ઐતિહાસિક કીર્તનિયા જાળીનો કઠેરો કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેવી આ વાતની જાણ સ્થાનિક સેવકો અને વૈષ્ણવ ભક્તોને થઈ કે તરત જ લોકોના ટોળેટોળાં મંદિર પરિસરમાં ઉમટી પડ્યા હતા. ભક્તોનો સ્પષ્ટ આક્ષેપ છે કે માત્ર ગણતરીના લોકોની સુવિધા ખાતર મંદિરની મૂળ સંરચના અને વર્ષોથી ચાલી આવતી પરંપરા સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે, જે કોઈ પણ સંજોગોમાં સાંખી લેવામાં નહીં આવે.

મુખ્ય દ્વાર પાસે VIP રેસ્ટ રૂમના આયોજનથી વિવાદ વકર્યો

આ વિવાદમાં બળતામાં ઘી હોમવાનું કામ મુખ્ય દ્વાર નજીક બનનારા નવા VIP રેસ્ટ રૂમના નિર્ણયે કર્યું છે. જાણવા મળ્યા મુજબ, ટ્રસ્ટ દ્વારા લાખો રૂપિયાના ખર્ચે એર-કન્ડિશન્ડ (AC) બેઠક વ્યવસ્થા, અલગ બાથરૂમ અને શૌચાલય સહિતની વૈભવી સુવિધાઓ ધરાવતો VIP હોલ તૈયાર કરવાનું આયોજન કરાયું છે. વૈષ્ણવોમાં આ વાતને લઈને ભારે રોષ છે કે ભગવાનના સન્મુખ જ આ પ્રકારના શૌચાલય અને રેસ્ટ રૂમ બનાવવા તે મંદિરની પવિત્રતા અને મર્યાદાની વિરુદ્ધ છે.

સામાન્ય ભક્તોની સુવિધાનો અભાવ અને 'કર્ણાવતી કલ્ચર'નો આક્ષેપ

વિરોધ પ્રદર્શન કરી રહેલા ભક્તોએ મંદિર પ્રશાસનની નીતિ સામે સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, રાજ્યભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ પગપાળા અને દૂરદૂરથી ડાકોરના ઠાકોરના દર્શને આવે છે. આ સામાન્ય ભક્તો માટે મંદિરમાં બેસવાની પૂરતી જગ્યા કે પાયાની સુવિધાઓનો પણ અભાવ છે. તેવા સમયે સામાન્ય દર્શનાર્થીઓની ચિંતા કરવાને બદલે VIP મહેમાનો માટે લાખો રૂપિયા ખર્ચવા યોગ્ય નથી. સેવકોએ એવો પણ ગંભીર આક્ષેપ લગાવ્યો હતો કે ડાકોરની ભક્તિમય અને સમાનતાની પરંપરાને તોડીને અહીં કર્ણાવતી કલ્ચર જેવી વીઆઈપી પ્રથા ઘુસાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

ટ્રસ્ટી ગિરીશ દાણીએ આપી સ્પષ્ટતા, અઠવાડિયામાં ઉકેલની ખાતરી

ભક્તોના ભારે વિરોધ બાદ ટ્રસ્ટી ગિરીશ દાણીએ મામલો થાળે પાડતા જણાવ્યું હતું કે, ભગવાનની સામે જ VIP બાથરૂમ અને શૌચાલયની સુવિધા સામે સેવકોની નારાજગીને ધ્યાનમાં રાખીને તેને અન્ય સ્થળે ખસેડવામાં આવશે. આગામી એક અઠવાડિયામાં આ સમગ્ર વિવાદનો સુખદ ઉકેલ લાવી દેવાશે અને તે જગ્યાએ સામાન્ય ભક્તો બેસી શકે તે માટે ખુરશી, ટેબલ અને સોફા મુકવામાં આવશે. જોકે, વૈષ્ણવોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો આ નિર્ણય તાત્કાલિક રદ નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનશે.