Dakor Ranchhodrai Temple Annakut: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં નૂતન વર્ષની ઉજવણી વિશિષ્ટ પરંપરા સાથે કરવામાં આવી હતી. વહેલી સવારે ભગવાનની મંગળા આરતી બાદ તેમને કેસર સ્નાન કરાવી દિવ્ય શણગાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગોવર્ધન પર્વતની પૂજા-અર્ચના કરી રણછોડરાયને 151 મણ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. ભક્તોએ આ અન્નકૂટ 10 મિનિટમાં લૂંટી લીધો હતો.
રણછોડરાય મંદિરમાં અન્નકૂટ લૂંટવાની પરંપરા
સામાન્ય રીતે વિવિધ મંદિરોમાં ભગવાન સમક્ષ અન્નકૂટ ધરાવ્યા બાદ તેને ભક્તોમાં શાંતિપૂર્ણ રીતે પ્રસાદ વહેંચવામાં આવતો હોય છે. પરંતુ ડાકોર ધામમાં ભગવાન રાજા રણછોડરાય સમક્ષ ધરાવાયેલો 151 મણનો વિશાળ અન્નકૂટ લૂંટવાની દ્વાપર યુગથી ચાલતી વર્ષો જૂની પરંપરા આજે પણ એટલા જ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે અકબંધ જળવાઈ રહી છે.
બપોરના સમયે મુખ્ય ભગવાન રણછોડરાયની સન્મુખ બુંદી, ભાત, વિવિધ મીઠાઈઓ અને પરંપરાગત રાજભોગ સહિતનો 151 મણનો ભવ્ય અન્નકૂટ પીરસવામાં આવ્યો હતો. મંદિર પ્રશાસન દ્વારા આજુબાજુના 80 જેટલા ગામના લોકોને આ પ્રસાદી લૂંટવા માટે અગાઉથી જ સત્તાવાર રીતે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
ભક્તોએ 10 મિનિટમાં 151 મણ પ્રસાદ લૂંટ્યો
ભગવાનને ભોગ ધરાવ્યા બાદ મંદિરના નિજ દ્વાર ખોલવામાં આવ્યા, તરત જ આતુરતાથી રાહ જોઈ રહેલા ગ્રામજનો અન્નકૂટ પર તૂટી પડ્યા અને માત્ર 10 મિનિટમાં પોતાનો અધિકાર સમજીને હોંશે હોંશે પ્રસાદી લૂંટી લીધી હતી. ભક્તો પવિત્ર પ્રસાદી પોતાના ઘરે લઈ જવાની સાથે રસ્તામાં મળતા સગા-સંબંધીઓ અને અન્ય શ્રદ્ધાળુઓને પણ પ્રેમપૂર્વક વહેંચે છે.
અન્નકૂટ લૂંટવાની પરંપરાનું પૌરાણિક મહત્વ
આ પરંપરાના પૌરાણિક અને સામાજિક મહત્વ અંગે વિગતો આપતા પૂજારી લાલાભાઈએ જણાવ્યું કે, ગોવર્ધન પૂજાની કથા દ્વાપર યુગ સાથે જોડાયેલી છે. જ્યારે શ્રીકૃષ્ણ ભગવાને વ્રજવાસીઓને ઈન્દ્રદેવની પૂજા ન કરવા કહ્યું અને તેનાથી કોપાયમાન થઈ ઈન્દ્રદેવે અતિવૃષ્ટિ કરી હતી, ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને પોતાની તર્જની આંગળી પર ગોવર્ધન પર્વત ધારણ કરીને સમગ્ર વ્રજવાસીઓનું રક્ષણ કર્યું હતું.
ત્યારથી ભગવાન સમક્ષ ગોવર્ધન પૂજા, ગૌમાતાનું પૂજન અને અન્નકૂટ ધરાવવાની પરંપરા ચાલી આવે છે. ડાકોર મંદિરમાં સવા સો મણ પ્રસાદ ધરાવવામાં આવે છે અને ક્ષત્રિય સમાજ તેમજ અમુક ચોક્કસ સમુદાયને મંદિર તરફથી આમંત્રણ આપવામાં આવે છે. ક્ષત્રિય સમાજના લોકો પોતાની ખેતીવાડીમાંથી પાકેલું અનાજ મંદિરમાં પધરાવતા હોવાથી તેઓ અધિકારપૂર્વક આ પ્રસાદી લેવા આવે છે અને ભગવાનનો પ્રસાદ ધારણ કરી અન્ય ભક્તજનોમાં વહેંચે છે.
દૂર-દૂરથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
અન્નકૂટ લૂંટની આ આખી પરંપરા દરમિયાન સમગ્ર ડાકોરધામ રાજા રણછોડરાયના ગગનભેદી જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું અને વાતાવરણ અત્યંત ભક્તિમય બની ગયું હતું. આ અનોખા ઉત્સવના દર્શન કરવા અને દિવ્ય પ્રસાદ પ્રાપ્ત કરવા માટે દૂર-દૂરથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભક્તો ડાકોર ખાતે ઉમટી પડ્યા હતા.
