Morbi Mysterious Well: મોરબી જિલ્લાના વીરપરડા ગામે એક ખેતરમાં આવેલા કૂવામાં પાણીના રહસ્યમય હિલોળા જોવાની ઘટના છેલ્લા કેટલાક દિવસોથી કુતૂહલનો વિષય બની છે. એક દિવસના વિરામ બાદ ફરી આ કૂવામાં પાણીની હલચલ શરૂ થતાં લોકોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.
શું છે કૂવાના પાણીની વિચિત્ર પેટર્ન?
આ કૂવામાં પાણીની હિલચાલની એક ચોક્કસ પેટર્ન સામે આવી રહી છે. ગત 2 ઓગસ્ટથી જોવા મળેલી વિગતો મુજબ, સવારે પાણી સંપૂર્ણ શાંત રહે છે. પરંતુ બપોરના 1 વાગ્યા પછી ધીમે ધીમે હલચલ શરૂ થાય છે. બપોરે 3 વાગ્યાથી પાણી જોરદાર હિલોળા લેવા લાગે છે અને સાંજે 7 વાગતા ફરી શાંત થઈ જાય છે. જોકે, 7 ઓગસ્ટ, શુક્રવારના રોજ આખો દિવસ પાણી શાંત રહ્યું, પણ 8 ઓગસ્ટ, શનિવારે બપોર પછી ફરી આ મૂવમેન્ટ શરૂ થઈ ગઈ હતી.
દરિયાની ભરતી-ઓટનું કનેક્શન?
આ ઘટનાની તપાસ કરવા રાજકોટ ભૂસ્તર વિભાગ અને ગુજરાત વોટર રિસોર્સ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (GWRDC) ટીમોએ સ્થળની મુલાકાત લીધી હતી. ભૂસ્તરશાસ્ત્રી મિતુલ ઘેટીયાના જણાવ્યા અનુસાર, આ કૂવાથી દરિયો આશરે 15 કિમી દૂર છે. આથી પ્રાથમિક તારણ મુજબ દરિયાની ભરતી-ઓટની મૂવમેન્ટ કૂવામાં જોવા મળી રહી હોવાની શક્યતા છે. અન્ય કોઈ સક્રિય ભૌગોલિક માળખું અત્યાર સુધી જાણવા મળ્યું નથી.
‘રહસ્યમય’ કૂવાની વિશિષ્ટ બનાવટ
આ કૂવાની બનાવટ પણ અન્ય કૂવાઓ કરતા અલગ છે. જમીન માલિક પ્રવીણભાઈ સાદરીયાએ ફાર્મ હાઉસ માટે ત્રણ મહિના પહેલા જ આ કૂવો બનાવ્યો હતો. કુવાની ઊંડાઈ 18 મીટર છે. સામાન્ય કૂવા ૨૦ મીટરના હોય છે, જ્યારે આ કુવાનો વ્યાસ પહોળાઈ 30 થી 33 મીટર જેટલી છે.
વધુમાં, આ કૂવામાં અંદર સુધી સિમેન્ટ કોન્ક્રીટની દીવાલ છે અને માત્ર તળિયું જ ખુલ્લું છે. વોટર રિસર્ચ ટીમના અધિકારી વી.એમ. ગરવાએ જણાવ્યું છે કે, કૂવાની વધુ પહોળાઈ અને કોન્ક્રીટ બાંધકામ પણ હલનચલનનું એક કારણ હોઈ શકે છે. નોંધનીય છે કે, આ કૂવાથી અડધો કિમી દૂર આવેલા અન્ય કૂવાઓમાં પાણીનું સ્તર સંપૂર્ણ સ્થિર જોવા મળ્યું છે.
અંધશ્રદ્ધા નહીં, વિજ્ઞાનનો વિષય
સ્થાનિક અગ્રણીઓનું માનવું છે કે આ શુદ્ધ રીતે વિજ્ઞાનનો વિષય છે અને તેમાં અંધશ્રદ્ધા ન જોડવી જોઈએ. સત્ય જાણવા માટે જમીન માલિક અને અન્ય લોકોએ કૂવામાં સ્નાન પણ કર્યું હતું. હાલમાં વોટર રિસર્ચ ટીમે પાણીના સેમ્પલ લઈને તેને રાજકોટની લેબમાં એનાલિસીસ માટે મોકલ્યા છે, જેના રિપોર્ટ બાદ ચોક્કસ કારણ જાણી શકાશે.
