Morbi News: મોરબી તાલુકાના વીરપરડા ગામે એક અસામાન્ય અને આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. ગામમાં આવેલા એક ખેડૂતના ખેતરના કૂવામાં છેલ્લા ચાર દિવસથી દરિયાના મોજાંની જેમ પાણી હાલકડોલક થઈ રહ્યું છે. કુદરતના આ અનોખા દ્રશ્યને જોવા માટે વીરપરડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા છે. આ અસામાન્ય હલચલને પગલે સ્થાનિકોમાં કૂતુહલ સાથે ચિંતાનો માહોલ સર્જાતાં મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ તાત્કાલિક તપાસના આદેશો આપ્યા છે.
3 મહિના પહેલાં બનાવેલા કૂવામાં સર્જાયું આશ્ચર્ય
જામનગર-અમૃતસર નેશનલ હાઈવે પર વીરપરડા ગામ પાસે આવેલી વાડીના માલિક પ્રાણજીવનભાઈ સાદરિયાએ જણાવ્યું કે, તેમણે ચોમાસાના ત્રણ મહિના પહેલાં જ 30 ફૂટ વ્યાસ અને 18 ફૂટ ઊંડાઈ ધરાવતો નવો કૂવો બનાવડાવ્યો હતો. સારા વરસાદને કારણે કૂવો પાણીથી છલોછલ ભરાઈ ગયો હતો. રવિવારથી અચાનક આ કૂવાના પાણીમાં દરિયાના મોજાની જેમ ભારે હલનચલન જોવા મળી રહી છે. સોમવાર બાદ મંગળવારે પાણી શાંત થયું હતું, પરંતુ બુધવાર સાંજથી ફરી પાણીમાં મોજાં ઉછળવાનું શરૂ થયું હતું. ખાસ વાત એ છે કે આસપાસના અન્ય કૂવાઓમાં પાણી એકદમ શાંત છે.
અફવાઓ ફેલાઈ, ભૂકંપની શક્યતા નકારાઈ
પાણીના હિલોળા લેવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અંધશ્રદ્ધા અને અફવાઓનો દોર શરૂ થયો હતો. કેટલાક લોકો તેને ભૂત-પ્રેત તો કેટલાક કુદરતી કોપ માની રહ્યા છે. સ્થાનિક નાગરિક સુમરા ઝાહીદ અને અલ્તાફે જણાવ્યું કે આ કોઈ AI નિર્મિત વીડિયો નથી પરંતુ સાચી ઘટના છે.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કલેક્ટર સ્વપ્નિલ ખરેએ સ્પષ્ટતા કરી છે કે આ પાણી કોઈ ચિંતાનો વિષય નથી અને લોકોએ અફવાઓથી દૂર રહેવું. રાજ્યના સિસ્મોલોજી વિભાગની ટેકનિકલ તપાસમાં પણ સામે આવ્યું છે કે છેલ્લા 10 દિવસમાં મોરબી કે ગુજરાતમાં કોઈ ભૂકંપ કે ભૂગર્ભીય હલચલ નોંધાઈ નથી.
તંત્ર અને ભૂસ્તરશાસ્ત્રીઓનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ
જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી જગદીશ વાઢેરના જણાવ્યા મુજબ, હવા અને ધરતીના પેટાળમાં વરસાદનું નવું પાણી આવવાના કારણે બે પથ્થરો વચ્ચેના ગેસના દબાણથી આ હલચલ થઈ શકે છે.
બીજી તરફ, જાણીતા જિયોલોજિસ્ટ મહેશ ઠક્કરે આ ઘટના પાછળ 'આર્ટિઝન કંડિશન' અને 'વેલ શેશ'ની ભૂસ્તરશાસ્ત્રીય પ્રક્રિયા જવાબદાર ગણાવી છે. ઊંચા કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદથી જ્યારે બે ઠોસ સ્તરો વચ્ચે રહેલા પાણીનું દબાણ વધી જાય છે, ત્યારે ખુલ્લા કૂવામાં પાણી આ રીતે હિલોળા લેવા લાગે છે.
GWRI ની વિશેષ ટીમ કરશે આખરી તપાસ
બનાવની ગંભીરતાને સમજીને જિલ્લા પ્રશાસન દ્વારા ગ્રાઉન્ડ વોટર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GWRI) ના નિષ્ણાતોને સ્થળ તપાસ માટે તાકીદના આદેશો આપવામાં આવ્યા છે. GWRI ની ટીમ ટૂંક સમયમાં જમીન અને ભૂગર્ભ જળની પ્રત્યક્ષ ટેકનિકલ તપાસ કરીને પોતાનો સત્તાવાર રિપોર્ટ રજૂ કરશે, જેના પછી જ આ ઘટનાનું ચોક્કસ વૈજ્ઞાનિક કારણ સ્પષ્ટ થશે.
