Navratri 2026: સંસ્કૃતિ અને આધુનિકતાના અનોખા સંગમ સાથે મોરબીની પ્રખ્યાત શક્તિ ચોક ગરબી મંડળ દ્વારા આ વર્ષે નવરાત્રીમાં કેરળનું સુપ્રસિદ્ધ થૈયમ નૃત્ય રાસ રજૂ કરવામાં આવ્યું હતું. આ નૃત્યની ખાસ વાત એ છે કે, તે કૈરળનું પારંપરિક નૃત્ય છે. જેને ગુજરાતમાં સૌપ્રથમ વખત મોરબીમાં રજૂ કરવામાં આવ્યું હતું.
આ અદ્ભુત રાસને જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં છેલ્લા 44 વર્ષથી શક્તિ ચોક ગરબીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે, જે સમગ્ર મોરબીમાં 'નંબર વન' ગરબી તરીકે પોતાની ખાસ ઓળખ ધરાવે છે.
થૈયમ નૃત્યને જોતાં લોકોને એવી અનુભૂતિ થઈ કે, સાક્ષાત ચાચર ચોકમાં સ્વયં માતાજી પધાર્યા હોય. સાઉથની સુપરહિટ ફિલ્મ 'કાંતારા'માં ભૂતાકોલા કરતી સમયે જેવું નૃત્ય કરવામાં આવે છે. તેવું થૈયમ નૃત્ય શક્તિ ચોકની બાળાઓએ ખૂબ જ ભક્તિભાવ અને ચોક્કસાઈપૂર્વક પ્રસ્તુત કર્યું હતું. આ નૃત્ય જોઈને હાજર રહેલા દર્શકો આશ્ચર્ય અને રોમાંચિત થઈ ગયા હતા.
