Morbi: ફટાકડા ફોડવા બાબતના ડખ્ખામાં પત્નીની ઘાતકી હત્યા, પતિએ માથામાં લાકડાનો ફટકો મારીને પતાવી દીધી

પતિએ શેઠ પાસેથી 5 હજાર રૂપિયાનો ઉપાડ લઈને પત્નીને આપી દીધો હતો. જે બાદ 500 રૂપિયાના ફટાકડા લાવી ફોડી નાંખતા થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 29 Oct 2024 06:30 PM (IST)Updated: Tue, 29 Oct 2024 06:30 PM (IST)
morbi-news-husband-killed-wife-at-shanala-village
HIGHLIGHTS
  • દિવાળીના સપરમા દિવસોમાં કરુણ ઘટના

Morbi: મોરબીના તળાવીયા શનાળા ગામની સીમમાં આવેલ સોફ્ટ કાર્બન ઈન્ડસ્ટ્રીઝમાં ફટાકડા ફોડવા બાબતે ઝઘડો થતાં ઉશ્કેરાયેલા પતિએ લાકડાનો ધોકો ફટકારી દેતા પત્નીનું મોત નીપજ્યું છે. આ મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગે મોરબીના શનાળા ગામની સીમમાં રહેતા દિપકભાઈ ડામોરે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ, દીપકભાઈના માતાની દીકરી ભૂરીબેન, તેના પતિ નરભેસિંહ, દીકરો વિશાલ અને દીકરી શકુંતલા ચારેય જણા છેલ્લા ચારેક વર્ષથી તળાવીયા શનાળા ગામની સીમમાં આવેલ સૉફ્ટ કાર્બન ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરીને ત્યાં જ રહે છે.

ગત 28 ઑક્ટોબરના રોજ નરભેસિંહે તેના શેઠ પાસેથી 5 હજાર રૂપિયાનો ઉપાડ લીધો હતો, જે તમામ પૈસા ભૂરીબેનને આપી દીધા હતા. આથી નરભેસિંહે ફટાકડા લેવા પૈસા માંગતા ભૂરીબેને 500 રૂપિયા આપ્યા હતા. જેના ફટાકડા લાવીને ફોડી લીધા હતા.

જે બાદ સાંજે બધા સાથે જમવા બેઠા હતા. આ સમયે ભૂરીબેને 500 રૂપિયાના ફટાકડા લાવવા બાબતે ઝઘડો કર્યો હતો. આથી ઉશ્કેરાયેલા નરભેસિંહે બાજુમાં પડેલા લાકડાનો ફટકો ભૂરીબેનના માથામાં ફટકાર્યો હતો. જેથી તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ તો તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.