Morbi: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિ નિમિત્તે તેમના જન્મસ્થળ ટંકારા ખાતે તા. 10, 11 અને 12 ફેબ્રુઆરીએ ત્રણ દિવસીય વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંગે જાણકારી આપતા વિનય આર્યજીએ જણાવ્યું હતું કે તા. 10મી ફેબ્રુઆરીના રોજ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે મોરબી જિલ્લાના ટંકારા ખાતે ત્રિદિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવશે તથા રાજ્યપાલ ત્રણેય દિવસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તા. 11મી ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનુયાયીઓને વર્ચ્યુઅલી સંબોધન કરશે. તેમજ તા. 12મી ફેબ્રુઆરીએ દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને 'જ્ઞાન જ્યોતિ તીર્થ'નો શિલાન્યાસ કરશે.
ફેબ્રુઆરી, 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મજયંતિના ઉપલક્ષમાં વર્ષભર વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ત્રિ-દિવસીય કાર્યક્રમમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે પંચમહાયજ્ઞ, દયાનંદ સરસ્વતીજીના જીવન અંગેનું પ્રદર્શન, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો, ફિલ્મ પ્રદર્શન જેવા આકર્ષણના કેન્દ્રોનું આયોજન તેમજ યજ્ઞશાળા, ગૌશાળા, બાળકો માટે ખાસ રૂમ, નિ:શુલ્ક ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. આ અવસરે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા, સાંસદ મોહન કુંડારીયા, પદ્મ પુનમ સુરીજી, જાણીતા યોગગુરૂ બાબા રામદેવ સહિતના રાજકીય અને સામાજિક ક્ષેત્રના મહાનુભાવો ઉપરાંત દેશના નાગાલેન્ડ, કેરલ, કાશ્મીર સહિતના વિવિધ રાજ્યો અને જુદા-જુદા 16 દેશોમાંથી તેમજ સ્થાનિક આર્ય સમાજીઓ બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહેશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ તકે ધારાસભ્ય દુર્લભજી દેથરીયાએ રાજકોટ જિલ્લામાંથી દયાનંદ સરસ્વતીજીના વધુમાં વધુ અનુયાયીઓ તેમના ગહન ઉપદેશની અસરનું પ્રતિનિધિત્વ કરતા આ કાર્યક્રમનો લ્હાવો લેવાનું આમંત્રણ આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે, મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મજયંતિ નોંધપાત્ર ઐતિહાસિક અને દાર્શનિક મહત્વ ધરાવે છે. 12 ફેબ્રુઆરી, 1824ના રોજ ગુજરાતના મોરબી જિલ્લાના ટંકારામાં જન્મેલા મહર્ષિ દયાનંદ સરસ્વતીએ તેમનું સમગ્ર જીવન વૈદિક જ્ઞાન અને સાંસ્કૃતિક વારસાને અનુસરવામાં સમર્પિત કર્યું હતું. તેમના સ્વપ્નદ્રષ્ટા વિચારો અને સંદેશાઓ સમાજને પ્રોત્સાહિત કરે છે અને સમૃદ્ધિ, સ્વતંત્રતા અને સમાનતાની હિમાયત કરે છે. ત્યારે મહર્ષિ દયાનંદ સરસ્વતીનો 200મો જન્મદિવસ તેમની વિભાવનાઓને પ્રતિબિંબિત કરવા અને તેમના અપાર યોગદાનને શ્રદ્ધાંજલિ આપવાનો મહત્વપૂર્ણ પ્રસંગ છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
