Morbi: અઢી વર્ષનો બાળક રમતા-રમતા ગરમ પાણીના ખાડામાં ખાબક્યો, ગંભીર રીતે દાઝી જતાં મોતને ભેટ્યો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 17 Sep 2024 06:10 PM (IST)Updated: Tue, 17 Sep 2024 06:10 PM (IST)
morbi-news-2-5-years-old-boy-died-due-to-burn-in-industry
ફાઈલ ફોટો

Morbi: મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના મિતાણા નજીક આવેલ ટેક્સ ટાઈલ્સના કારખાનામાં ગરમ પાણીમાં ખાબકેલા અઢી વર્ષના બાળકનું દાઝી જતાં મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ મહીસાગર જિલ્લાના વતની હિતેશભાઈ પારઘી હાલ ટંકારા તાલુકાના મિતાણા ગામ નજીક આવેલા ટેક્સટાઈલ્સના કારખાનામાં મજૂરી કરે છે. ગત 15 સપ્ટેમ્બરના રોજ રાતે 9 વાગ્યાની આસપાસ તેમનો અઢી વર્ષનો પુત્ર પારસ કારખાના નજીક રમી રહ્યો હતો. આ સમયે રમતા-રમતા કારખાનામાંથી નીકળતા ગરમ પાણીના ખાડામાં ખાબકતા પારસ શરીરે ગંભીર રીતે દાઝી ગયો હતો.

આથી પારસને સારવાર અર્થે સૌ પ્રથમ ટંકારા અને પછી વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન આજે પારસનું મોત નીપજ્યું છે. આ મામલે સિવિલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક બાળક બહેનનો એકનો એક નાનો ભાઇ હોવાનો જાણવા મળ્યું છે. આ બનાવથી શ્રમિક પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી હતી.

બીજા બનાવમાં ગોંડલ રોડ પર આવેલા સદભાવના વૃદ્ધાશ્રમમાં રહેતા ઉજીબેન કલાભાઇ મુંગરા (85)નામના વૃદ્ધા આજે સવારે વૃદ્ધાશ્રમમાં હતા. આ સમયે બેભાન થઇ જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડતા તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે માલવિયા નગર પોલીસ મથકે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.