મોરબીમાં હનીટ્રેપ: યુવકને હોટેલમાં બોલાવી 12 લાખની ખંડણી માંગતા યુવતી સહિત 5 સામે ફરિયાદ

આરોપી યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને ભોગ બનનાર યુવક સાથે મિત્રતા કેળવી હતી. ત્યારબાદ તેણે યુવાનને એક હોટેલમાં મળવા બોલાવ્યો હતો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 15 Nov 2026 04:07 PM (IST)Updated: Sun, 15 Nov 2026 04:07 PM (IST)
morbi-honey-trap-case-woman-among-five-booked-for-demanding-rs-12-lakh

Morbi News: મોરબી શહેરમાં સોશિયલ મીડિયા દ્વારા યુવાનને હનીટ્રેપમાં ફસાવી 12 લાખ રૂપિયાની ખંડણી માંગવાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે હનીટ્રેપનો શિકાર બનનાર યુવક દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મુખ્ય આરોપી યુવતી અને તેના ભાઈઓ સહિત કુલ 5 શખ્સો સામે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

મિત્રતા કેળવી યુવકને હોટલમાં મળવા માટે બોલાવ્યો

પ્રાપ્ત વિગતો મુજબ, આરોપી યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને ભોગ બનનાર યુવક સાથે મિત્રતા કેળવી હતી. ત્યારબાદ તેણે યુવાનને એક હોટેલમાં મળવા બોલાવ્યો હતો. યુવાન હોટેલ પહોંચતા જ પૂર્વ આયોજિત કાવતરા મુજબ યુવતીના ભાઈઓ અને અન્ય સાથીદારો ત્યાં ધસી આવ્યા હતા. આરોપીઓએ યુવકને ડરાવી-ધમકાવી બ્લેકમેલ કરી 12 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી, જેના કારણે યુવાન માનસિક રીતે ભાંગી પડ્યો હતો.

આખરે ભોગ બનનાર યુવાને હિંમત દાખવી મોરબી પોલીસ સ્ટેશનમાં સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની ગંભીર કલમો હેઠળ યુવતી અને તેના ભાઇઓ સહિત પાચ આરોપીઓ સામે ગુનો દાખલ કરી ધરપકડ તેમજ વધુ તપાસની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેરમાં દેશીદારુની હેરાફેરી કરતા 3 ઝડપાયા, 14 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

વાંકાનેરના રાતીદેવરી ગામ પાસે દેશી દારૂની હેરફેરી કરતા ત્રણ લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે 600 લીટર દેશી દારુ, બે કાર સહિત 14.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર, મોરબી એલસીબીને બાતમી મળી હતી કે, વાંકાનેર વિસ્તારમાંથી દેશી દારુની હેરાફેરી કરવામાં આવી રહી છે. બાતમીના આધારે વોચ ગોઠવીને એલસીબીની ટીમે બોલેરો, કિયા સોનેટ કારને ઝડપી પાડી હતી. કારમાંથી 600 લીટર દેશીદારુ, મોબાઇલ ફોન સહિત કુલ 14.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે અરવિંદ સોલંકી, સની કડેવાર અને પ્રકાશ કુંઢીયાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.