Morbi Farmers Protest: મોરબીના રવાપર ગામે 8 ઓગસ્ટના રોજ યોજાયેલ ખેડૂત મહાસભામાં ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાકેશ ટિકૈતે આક્રમક વલણ સાથે ચેતવણી આપી કે, જો ગુજરાતમાં ખેડૂતો પર લાઠીચાર્જ કે દમન કરવામાં આવશે, તો પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં તેના ઉગ્ર પડઘા પડશે.
ખેડૂત મહાસભામાં રાકેશ ટિકૈતનો હુંકાર
આ પણ વાંચો
રવાપરમાં ખેડૂત મહાસભાને સંબોધતા રાકેશ ટીકૈતે ખેડૂતોને પ્રોત્સાહિત કરતા કહ્યું કે, "આ સરકાર ટ્રેક્ટરથી ડરે છે, એટલે જ્યારે પણ વિરોધ કરવા જાઓ ત્યારે ટ્રેક્ટર લઈને જજો." તેમણે ભારત છોડો આંદોલનનો ઉલ્લેખ કરી ગુજરાતને આ સરકારમાંથી મુક્ત કરાવવા વારંવાર આવવાની ખાતરી આપી હતી.
વન નેશન, વન આંદોલનની રણનીતિ
રાકેશ ટીકૈતે દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરતા ‘વન નેશન, વન આંદોલન’ નો મંત્ર આપ્યો છે. તેમણે ચીમકી આપી છે કે જો મોરબી કે ગુજરાતના ખેડૂતો પર લાઠીચાર્જ થશે, તો એ જ દિવસે અન્ય રાજ્યોના ખેડૂતો કલેક્ટર કચેરી, SSP ઓફિસ અને પોલીસ સ્ટેશનોનો ઘેરાવ કરશે.
મોરબીથી શરૂ થયેલું આ આંદોલન હવે રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. રાકેશ ટિકૈતે સ્પષ્ટ કર્યું કે, જ્યાં સુધી ખેડૂતોની માંગણી સંતોષવામાં નહીં આવે, ત્યાં સુધી આ લડત અટકશે નહીં. ખેડૂતોએ આ વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધી ટ્રેક્ટર રેલી, કલેક્ટરને આવેદનપત્ર અને 20 દિવસ સુધી આમરણાંત ઉપવાસ જેવા અનેક આકરા માર્ગ અપનાવ્યા છે.
શું છે ખેડૂતોના આંદોલનનું મુખ્ય કારણ?
મોરબીના જેતપર ગામે ખેડૂતો ગત 1 મે, 2026 એટલે કે છેલ્લા ત્રણ મહિના કરતાં વધુ સમયથી આંદોલન ચલાવી રહ્યા છે. ખાનગી વીજ કંપનીઓ દ્વારા ખેતરોમાં જે વીજપોલ અને લાઈનો ઊભી કરવામાં આવી રહી છે, તેની સામે ખેડૂતો યોગ્ય અને પૂરતા વળતરની માંગ કરી રહ્યા છે. જોકે, સરકારે 4 જુલાઈના રોજ જે નવી વળતર નીતિ જાહેર કરી, તેને ખેડૂતોએ અપર્યાપ્ત ગણાવી ફગાવી દીધી છે.
