Morbi News: મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નેકનામ ગામની સીમમાં આવેલી એક ફેક્ટરીમાં કામ કરતા શ્રમિક પરિવાર પર આભ તૂટી પડ્યું છે. અહીં કામ કરતા એક શ્રમિકના 2 વર્ષના માસૂમ પુત્ર સાથે તેના જ સહકર્મીએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી અમાનવીયતાની તમામ હદો વટાવી દીધી છે. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે.
શું હતી સમગ્ર ઘટના?
નેકનામ ગામની સીમમાં આવેલી એક ઔદ્યોગિક એકમમાં મજૂરી કરતા પરિવારનો 2 વર્ષનો બાળક ગત દિવસે રમી રહ્યો હતો. આ દરમિયાન તે જ કારખાનામાં મજૂરી કરતો રામવિકાસ ગેના શાહ નામનો શખ્સ માસૂમને લલચાવી-ફોસલાવીને પોતાના રૂમમાં લઈ ગયો હતો. ત્યાં આ નરાધમે માસૂમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું અમાનવીય કૃત્ય આચર્યું હતું. આ કૃત્યને કારણે બાળકની તબિયત ગંભીર રીતે લથડી હતી અને તેને શારીરિક ઈજાઓ પહોંચી હતી.
હોસ્પિટલમાં સારવાર ચાલું
બાળકની હાલત નાજુક જણાતા તેને તાત્કાલિક ટંકારા અને ત્યારબાદ વધુ સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ વાંકાનેર ડિવિઝનના DYSP સમીર સારડાના માર્ગદર્શન હેઠળ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ગણતરીના કલાકોમાં જ આરોપી રામવિકાસ શાહને ઝડપી પાડ્યો હતો.
બદલો લેવા માસૂમને બનાવ્યો નિશાન
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આરોપી રામવિકાસ અને બાળકના પિતા વચ્ચે અગાઉ કોઈ બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ જૂની અદાવતનો ખાર રાખીને નરાધમે પિતાનો બદલો લેવા માટે 2 વર્ષના નિર્દોષ બાળકને નિશાન બનાવ્યો હતો. આરોપી પરણિત છે અને તેના પત્ની-બાળકો વતનમાં રહે છે, જ્યારે તે અહીં એકલો રહી મજૂરી કરતો હતો.
કાયદેસરની કાર્યવાહી અને રિમાન્ડ
પોલીસે મામલતદાર અને બાળ રોગ નિષ્ણાતની હાજરીમાં આરોપીની ઓળખ પરેડ કરાવી હતી. હાલ આરોપી પોલીસ રિમાન્ડ હેઠળ છે અને પોલીસ આ મામલે વધુ ટેકનિકલ અને વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરી રહી છે. આ ઘટનાને પગલે સમગ્ર મોરબી પંથકમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને લોકો નરાધમ સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી કડક સજાની માંગ કરી રહ્યા છે.
