Halvad News: હળવદ પંથકમાં અંદાજે 6,000 હેક્ટરમાં બાગાયાતી પાકોનું વાવેતર કરવામાં આવેલ છે. જેમાંથી 3,600 હેક્ટરમાં દાડમની ખેતી કરવામાં આવી છે. ત્યારે હળવદમાં પાકતી દાડમની વિદેશમાં પણ બોલબાલા જોવા મળી રહી છે. અહીંના ખેડૂતો દાડમને એક્સપોર્ટ કરીને અઢળક કમાણી પણ કરે છે.
વિદેશમાં એક્સપોર્ટ થાય છે દાડમ
આ વિસ્તારમાંથી માળિયા, મોરબી અને ધાંગધ્રા એમ 3 કેનાલો પસાર થાય છે. ત્રણેય કેનાલમાંથી ખેડૂતો પિયત માટે પાણી લઇને મોટા પ્રમાણમાં ઉત્પાદન મળવે છે. અન્ય પાકોમાં ખેડૂતોને પુરતો ભાવ ન મળતા તેઓ હવે બાગાયતી ખેતી તરફ વળી રહ્યા છે. હળવદમાં પાકતી દાડમ દુબઇ, થાઇલેન્ડ, યુએસએ, બાંગ્લાદેશ તેમજ અનેક દેશોમાં તેની નિકાસ કરવામાં આવે છે.
ખેડૂતોને સારા ભાવ પણ મળી રહ્યા છે
સુંદરગઢ ગામના ખેડૂતે જણાવ્યું હતું કે, 'દાડમના પાકનું વાવેતર કરવાથી તેમાંથી સારી એવી આવક થાય છે. હળવદમાં પ્રાઇવેટ માર્કેટિંગ યાર્ડ બનતા મોટા પ્રમાણમાં ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે. વેપારીઓ સીધા જ ખેડૂતો પાસેથી સારા ભાવ આપીને દાડમની ખરીદી કરે છે.'
6000 હેક્ટરમાં બાગાયાતી ખેતી
હળવદ વિસ્તારમાં બાગાયતી પાકના આંકડા જોઇએ તો દાડમ 3630 હેક્ટર, આંબા 60 હેક્ટર, લીંબુ 2086 હેક્ટર, બોર 54 હેક્ટર, જામફળ 76 હેક્ટર, ખારેક અને પપૈયા 85 હેક્ટરમાં વાવેતર થયેલ છે. આમ ટોટલ હળવદમાં 5991 હેક્ટર જેટલી જમીનમાં બાગાયતી પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
