Varanasi to Vadnagar Seva Yatra: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ઉપલક્ષમાં દેશભરમાં શરૂ થયેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ આજે વડનગરમાં એક અનોખો સંગમ જોવા મળ્યો હતો. વારાણસીથી પ્રસ્થાન કરીને વડનગર પહોંચેલી ‘વારાણસી થી વડનગર સેવા યાત્રા’ના 500 જેટલા બાઈક સવારોએ આજે વડનગરના સ્થાનિક પરિવારો સાથે બેસીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘સેવા જ્યોતિ યાત્રા’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
500 બાઈકર્સ વડનગર પહોંચ્યા
આ પ્રસંગે વડનગરના રહેવાસીઓ અને વારાણસીથી આવેલા પ્રવાસીઓ વચ્ચે પરસ્પર સ્નેહ અને રાષ્ટ્રસેવાની ભાવનાનો પ્રબળ સંચાર જોવા મળ્યો હતો. આ ઐતિહાસિક સેવા યાત્રામાં જોડાયેલા 500 જેટલા બાઈકર્સ ગત રાત્રિએ વડનગર આવી પહોંચ્યા હતા, જ્યાં તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તમામ પ્રવાસીઓએ વડનગરના વિવિધ સ્થાનિક પરિવારોના ઘરે આતિથ્ય માણ્યું હતું અને ત્યાં જ રાત્રિ રોકાણ કર્યું હતું.
કાશીના મહેમાનોનું કરાયું સ્વાગત
આ વ્યવસ્થા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વડાપ્રધાનના સંસદીય મતક્ષેત્ર વારાણસી અને તેમના જન્મસ્થળ વડનગર વચ્ચે સાંસ્કૃતિક અને ભાવનાત્મક સેતુ સ્થાપિત કરવાનો રહ્યો છે. સ્થાનિક પરિવારોએ પણ પોતાના આંગણે પધારેલા કાશીના મહેમાનોનું ભાવભીનું સ્વાગત કરીને ભારતીય સંસ્કૃતિની ‘અતિથિ દેવો ભવ:’ની પરંપરાને સાર્થક કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત યોજાયેલી આ યાત્રા માત્ર એક પ્રવાસ નથી પરંતુ જનસંપર્ક અને સેવાના ઉમદા કાર્યનું પ્રતિક બની રહી છે. વારાણસીથી વડનગર સુધીના માર્ગમાં વિવિધ સ્થળોએ સેવાકીય પ્રવૃત્તિઓ કર્યા બાદ આ યાત્રા વડનગર પહોંચી છે.
