Vadnagar Sharmistha Lake Show Wins National Award: PM નરેન્દ્ર મોદીના વતન અને ઐતિહાસિક નગરી વડનગરના વિકાસમાં વધુ એક ગર્વની ક્ષણ ઉમેરાઈ છે. વડનગરના પ્રખ્યાત શર્મિષ્ઠા તળાવ ખાતે આવેલા અત્યાધુનિક 'એક્વા સ્ક્રીન પ્રોજેક્શન શો' (Aqua Screen Projection Show) ને રાષ્ટ્રીય સ્તરે મોટું સન્માન મળ્યું છે. સિસ્ટમ્સ ઇન્ટિગ્રેશન ઇન્ડિયા એસોસિએશન (SIIA) દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત 'સિસ્ટમ ઇન્ટિગ્રેશન ઇન્ડિયા એવોર્ડ 2026' (System Integration India Award 2026) માં આ પ્રોજેક્ટને વિજેતા જાહેર કરવામાં આવ્યો છે.
'બેસ્ટ એપ્લિકેશન ઓફ એવી ઇન ગવર્મેન્ટ' કેટેગરીમાં મળી સિદ્ધિ
વડનગરના આ ડ્રીમ પ્રોજેક્ટને સરકાર અથવા સરકારી વિભાગોમાં ઓડિયો-વિઝ્યુઅલ ટેકનોલોજીના સર્વશ્રેષ્ઠ ઉપયોગ બદલ 'BEST APPLICATION OF AV IN GOVERNMENT' કેટેગરી અંતર્ગત આ રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ સન્માને ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે વધુ એક પીંછુ ઉમેર્યું છે.

ગુજરાત ટૂરિઝમનું માર્ગદર્શન અને કરોડોનું બજેટ
આ ભવ્ય પ્રોજેક્ટ ગુજરાત ટુરીઝમ (Gujarat Tourism) ના સચોટ માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટના આયોજન અને અમલીકરણમાં અગ્રણી એજન્સીઓ જોડાયેલી હતી, જેમાં Design Factory India (DFI) કન્સલ્ટન્ટ તરીકે અને Aura Bright Light India Private Limited એક્ઝીક્યુશન એજન્સી તરીકે સક્રિય ભૂમિકા ભજવી હતી. આ અદભુત પ્રોજેક્ટનું કુલ બજેટ રૂપિયા 10 કરોડ કે તેથી વધુનું છે, જે તેની ભવ્યતા અને ગુણવત્તાની સાક્ષી પૂરે છે.
શું છે આ શોની વિશેષતા?
આ એક્વા સ્ક્રીન પ્રોજેક્શન શોમાં અત્યંત આધુનિક ઓડિયો-વિઝ્યુઅલ તકનીકનો ઉપયોગ કરવામાં આવે છે. પાણીના ફુવારાઓ (Water Fountains) દ્વારા તૈયાર થતી એક્વા સ્ક્રીન પર લાઈટ, સાઉન્ડ અને પ્રોજેક્શનના માધ્યમથી વડનગરના ઇતિહાસ અને સંસ્કૃતિને જીવંત કરવામાં આવે છે. આ પ્રોજેક્ટની અનોખી ડિઝાઈન અને તેના સફળ અમલીકરણના કારણે જ દેશભરમાંથી આ પ્રોજેક્ટની પસંદગી રાષ્ટ્રીય એવોર્ડ માટે કરવામાં આવી છે.
વડનગરની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે આ શો આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યો છે, અને હવે રાષ્ટ્રીય એવોર્ડ મળવાથી વૈશ્વિક નકશા પર વડનગરનું પ્રવાસન મહત્વ વધુ ઉજાગર થયું છે.
