Vadnagar Shravanotsav 2026:વડનગર શ્રાવણોત્સવમાં ઉમટ્યું પ્રવાસીઓનું ઘોડાપૂર: 40 હજાર પ્રવાસીઓએ માણ્યો ભક્તિ-સંસ્કૃતિનો સંગમ

ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આયોજિત વડનગર શ્રાવણોત્સવ 2026માં શર્મિષ્ઠા તળાવ ખાતે ભક્તિ, સંગીત અને સંસ્કૃતિનો અદ્ભુત સંગમ જોવા મળ્યો. ત્રણ રવિવારે કુલ 38,119 પ્રવાસીઓએ આ મહોત્સવની મુલાકાત લીધી, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને લાઇટ એન્ડ સાઉન્ડ શો મુખ્ય આકર્ષણ રહ્યા.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 05 Sep 2026 09:12 PM (IST)Updated: Sat, 05 Sep 2026 09:12 PM (IST)
vadnagar-shravanotsav-draws-massive-crowd-nearly-40000-tourists-celebrate-faith-and-culture

Vadnagar Shravanotsav 2026:ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા પવિત્ર શ્રાવણ માસના દર રવિવારે ઐતિહાસિક વડનગરના શર્મિષ્ઠા તળાવના મુખ્ય ઘાટ પર ‘વડનગર શ્રાવણોત્સવ’ નું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. ભક્તિ, સંગીત અને સંસ્કૃતિના સમન્વય સમાન આ મહોત્સવને પ્રવાસીઓનો ઉત્સાહજનક પ્રતિસાદ મળી રહ્યો છે અને દર રવિવારે પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.શ્રાવણોત્સવના પ્રથમ રવિવાર તા. 16 ઓગસ્ટ, 2026ના રોજ ગણેશ વંદના, શિવ તાંડવ, શિવ પંચાક્ષર સ્તોત્રમ, શંખ-ઘંટનાદ, વૈદિક રુદ્રપાઠ, શિવ કથા અને શિવ ભજનોનું આયોજન કરવામાં આવ્યું હતું.

બીજા રવિવાર તા. 23 ઓગસ્ટ, 2026ના રોજ ગણેશ વંદના નૃત્ય, સિતાર અને વાંસળીની પ્રસ્તુતિ, ક્લાસિકલ પર્ફોર્મન્સ, ‘ભૂ શંભુ’ કાર્યક્રમ, શિવ આરતી તથા શિવ સંગીત આધારિત પ્રસ્તુતિઓ યોજાઈ હતી.ત્રીજા રવિવાર તા. 30 ઓગસ્ટ, 2026ના રોજ ગણેશ વંદનાથી કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ વડનગરના આરાધ્ય દેવ હાટકેશ્વર મહાદેવ અને વડનગરના ઐતિહાસિક મહત્વની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. શિવ સ્તુતિ, શિવ તાંડવ, ઓમકાર નાદ અને શાસ્ત્રીય સંગીત સાથે તરણેતરના મેળાના હુડો રાસની રજૂઆત પણ કરવામાં આવી હતી. શિવ ભજનો અને ગીતોએ ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

આ ઉપરાંત, શર્મિષ્ઠા તળાવના પરિસરમાં કરવામાં આવેલું આકર્ષક લાઇટિંગ અને લાઇટ એન્ડ સાઉન્ડ શો શ્રાવણોત્સવનું વિશેષ આકર્ષણ બની રહ્યું છે. લાઇટિંગ અને લેસર શોના કારણે ઐતિહાસિક પરિસરને સાંજના સમયે ભવ્ય અને મનોહર દૃશ્યરૂપ મળ્યું છે.

ત્રણ રવિવારે 38,119 પ્રવાસીઓની મુલાકાત

‘વડનગર શ્રાવણોત્સવ’ દરમિયાન પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો છે. તા. 16 ઓગસ્ટે 10,427, તા. 23 ઓગસ્ટે 13,644 અને તા. 30 ઓગસ્ટે 14,048 પ્રવાસીઓએ વડનગરની મુલાકાત લીધી હતી. આમ, ત્રણેય રવિવારે કુલ 38,119 પ્રવાસીઓએ વડનગરની મુલાકાત લીધી છે.

સાંજે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. તા. 16 ઓગસ્ટે 2,573, તા. 23 ઓગસ્ટે 3,305 અને તા. 30 ઓગસ્ટે 4,330 પ્રવાસીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. આમ, ત્રણેય દિવસ દરમિયાન કુલ 10,208 પ્રવાસીઓ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં જોડાયા હતા.

તા. 6 સપ્ટેમ્બરે અંતિમ કાર્યક્રમ ‘વડનગર શ્રાવણોત્સવ’ અંતર્ગત તા. 6 સપ્ટેમ્બર, 2026ના રોજ અંતિમ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શિવભક્તિ અને સાંસ્કૃતિક વારસાને અનુરૂપ વિવિધ કાર્યક્રમો સાથે લાઇટિંગ અને લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહેશે.